SPIPA ખાતે સિવિલ સેવાના અધિકારીઓના સ્પેશ્યલ ફાઉન્ડેશન કોર્સનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારના અધ્યક્ષસ્થાને સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા ખાતે કેન્દ્રીય સિવિલ સેવાના અધિકારીઓના સ્પેશ્યલ ફાઉન્ડેશન કોર્સનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
આ તાલીમ તમને કઈ રીતે પોતાના આત્મવિશ્વાસ અને નિર્ણયશકિતનો મહત્તમ ઉપયોગ કરીને પોતાની ફરજો વધુ સારી રીતે નિભાવી શકાય એ શીખવાડશે : શ્રી પંકજ કુમાર
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત સરકારની સર્વોચ્ય તાલીમ સંસ્થા ‘સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા’ (સ્પીપા) દ્વારા આયોજિત કેન્દ્રીય સિવિલ સેવાના અધિકારીઓના સ્પેશયલ ફાઉન્ડેશન કોર્સનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહેલા નવા જોડાયેલા ઓફિસર્સને આ કોર્ષ થકી ઘણું શીખવા મળશે. સિવિલ સર્વિસના રિઝલ્ટમાં પોતાનું નામ જોવાની ખુશી સૌથી જીવનની સૌથી મોટી ખુશીઓમાંની એક હોય છે.
જાહેર સેવા ક્ષેત્રે ફરજો બજાવતા કેવી રીતે પોતાના આત્મવિશ્વાસ અને નિર્ણયશકિતનો મહત્તમ ઉપયોગ કરીને પોતાની ફરજો વધુ સારી રીતે નિભાવી શકાય એ આ તાલીમ તમને શીખવાડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાહેર સેવા ક્ષેત્રે કારકિર્દી ખૂબ જ પડકાર ભરી હોય છે. તમે સરકારી વ્યવસ્થાના ખૂબ મહત્વના ભાગ હોવ છો. ઘણી વખત તમારે કપરી પરિસ્થિતિઓમાં નિર્ણયો લેવાના હોય છે. આવા સમયે તમારી નિર્ણયશક્તિ, ધીરજ, આત્મવિશ્વાસ અને અભિગમની ખરી પરીક્ષા થાય છે.
આ બધા પડકારો માટે તમારે હંમેશાં તૈયાર રહેવાનું હોય છે અને આવી તાલીમો તમારામાં આ બધા ગુણો વધુને વધુ વિકસાવે છે. નવા જોડાનારા અધિકારીઓ માટે આ પ્રકારની તાલીમો વખતો વખત યોજવામાં આવે છે જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારી રીતે કેળવીને તેમને મજબૂત બનાવે છે.
વધુમાં, તેમણે તાલીમાર્થીઓને પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન ઉત્સાહ ટકાવી રાખવા જણાવ્યું હતું અને છેવાડાના માનવીની સેવાને જીવનમંત્ર બનાવવાની સલાહ આપી હતી.
આ સાથે તેમણે વધુમાં તમામ તાલીમાર્થીઓને ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને વિરાસતથી પરિચિત થવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે તેઓને અમદાવાદ શહેરની મુલાકાત લેવા તેમજ આવનારા દિવસોમાં યોજાનારા નેશનલ ગેમ્સ અને નવરાત્રિ તથા દિવાળીના તહેવારોને માણવા માટે અપીલ કરી હતી.
સ્પીપાના મહાનિર્દેશક શ્રી રમેશચંદ મીના (IAS)એ આ કોર્સની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ સ્પીપા દ્વારા પ્રથમ વખત આયોજિત થઈ રહ્યો છે. ૧૫ અઠવાડિયા સુધી (૩૦-ડિસેમ્બર-૨૨ સુધી) ચાલનારા આ તાલીમ કાર્યક્રમમાં જાહેર વહીવટ, મેનેજમેન્ટ અને બિહેવિયરલ સાયન્સ, પોલિટિકલ કોન્સેપ્ટ્સ એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા, કાયદો, હિન્દી ભાષા,
ઈન્ડિયન હિસ્ટ્રી એન્ડ કલ્ચર , બેઝિક ઈકોનોમિક્સ ફોર એડમિનિસ્ટ્રેટર્સ, માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી જેવા અનેકવિધ વિષયો પર તાલીમાર્થીઓને અલગ અલગ પ્રકારની તાલીમ પૂરી પાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ તાલીમમાં શૈક્ષણિક સત્રોની સાથે શારીરિક તાલીમ પર પણ વિશેષ ભાર આપવામાં આવનાર છે અને તાલીમ દરમ્યાન ૧૦ દિવસ હિમાલયન ટ્રેક અને ૦૧ સપ્તાહ વિલેજ વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન, મસૂરીના સંયુક્ત નિયામક શ્રીમતી સૌજન્યાજી દ્વારા ઉદબોધનમાં જણાવાયું હતું કે, ફાઉન્ડેશન કોર્સ દ્વારા અધિકારી પ્રશિક્ષણાર્થીઓની વિવિધ કુશળતામાં વધારો થશે. તેમણે તાલીમાર્થીઓને બદલતા સમય સાથે સતત અદ્યતન બની શીખતા રહેવાની સલાહ આપી હતી.
રાજ્યના મુખ્ય સચિવશ્રીએ તાલીમાર્થીઓ દ્વારા રાષ્ટ્ર અને સંવિધાન પ્રત્યે શ્રદ્ધા અને સાચી નિષ્ઠા રાખવાના, દેશની સંપ્રભુતા અને અખંડતા અક્ષુણ્ણ રાખવાના તથા કર્તવ્યોને રાજભક્તિ, ઇમાનદારી અને નિષ્પક્ષતાથી પાલન કરવાના શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી પ્રભાવ જોશી (IAS), LBSNAA (લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન)ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી શૈલેષ નવલ ઉપસ્થિત રહ્યા હતા.