Western Times News

Gujarati News

સોમનાથ ગોલોકધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરાઈ

સોમનાથ, પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે તે જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક ચિંતા થી મુક્તિ મળે છે. એટલે સુધી કે જગતગુરુ શ્રી કૃષ્ણએ પણ પોતાની જીવનલીલાને વિરામ આપવા આ પવિત્ર ભૂમિ ને પસંદ કરી હતી.

ગોલોક ધામ એ જ પાવન સ્થાન છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર થી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું. જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાન માં સમાયેલ છે. તેથી જ પ્રભાસની ભૂમીને હરિ-હર ભૂમી કહેવાય છે, જ્યા ભગવાન શિવ પ્રથમ જ્યોર્તિલિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમી પર થી પ્રયાણ કર્યું.

કઈ રીતે મળ્યું નિજધામ ગમન તિથિનું તારણ?ઃ ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ ચૈત્ર શુક્લ પ્રતિપદા ના પાવન દિવસે બપોરે ૨ કલાક ૨૭ મીનીટ એને ૩૦ સેકન્ડ ના સમયે પૃથ્વીલોક થી સ્વધામ ગમન કરેલ હતું.

ઉત્સવની શરૂઆત સૂર્યોદયના વધામણા સાથે કરવામાં આવી હતી, જ્યાં નવા વર્ષના સૂર્યનું વધામણું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કાર ભારતી ગુજરાતના પ્રતિભાશાળી કલાકારો તથા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે નૂતન વર્ષના સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવેલ.

આ પાવન પ્રસંગ નીમીત્તે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું, શ્રીકૃષ્ણ ને પ્રિય એવી ગૌમાતા નુ પુજન કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

તેમજ બપોરના ૨ કલાક ૨૭ મીનીટ અને ૩૦ સેકન્ડ ના સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ પૃથ્વીલોક પરથી ગોલોકધામ ની ભૂમીથી સ્વધામ ગમન કરેલ. એજ ક્ષણે આજરોજ શ્રી કૃષ્ણની ચરણપાદુકાનું પુજન કરવામાં આવ્યું હતું, સાથે શંખનાદ અને જયઘોષ કરવામાં આવેલ આ ક્ષણે વાતાવરણ શ્રીકૃષ્ણના હરિ નામ રટણમાં લીન થયું હતું.

ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યા હતા. યજમાનશ્રી વેજાણંદભાઇ વાળા પરીવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથેજ સંસ્કારભારતી દ્વારા ગોલોકધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંજે ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજીની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે ડી પરમાર, જનરલ મેનેજરશ્રી, સહિતના અધિકારીઓ કર્મચારીઓ, ભક્તો સહિત યજ્ઞ યજમાન શ્રી વેજાણંદભાઇ વાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાઈને ધન્ય બન્યા હતા. તમામ ધાર્મિક કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર ભજન ભોજન અને ભક્તિ સાથે કાર્યક્રમને વિરામ અપાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.