લાલ દરવાજાના AMTS ટર્મિનસમાં હવે થૂંક્યા કે ગંદકી કરી તો દંડ થશે
તંત્ર દ્વારા કસૂરવાર પેસેન્જરો પાસેથી રૂા.ર૦,૯૦૦નો દંડ વસૂલાયો
અમદાવાદ, એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા શહેરના હૃદય સમાન લાલ દરવાજા બસ ટર્મિનસને રૂા.૮.૮૮ કરોડના ખર્ચે હેરિટેજ લૂક અપાયો છે. પિન્ક કલરના હેરિટેજ લૂટમાં રંગાયેલું આ બસ ટર્મિનસ શહેરીજનોમાં ભારે પ્રિય બન્યું છે.
અગાઉ લાલ દરવાજા બસ ટર્મિનસમાં પ્રવેશ કરતાંની સાથે જ ચારે તરફ ગંદકી નજરે પડતી હતી, તેના ડેપો વિસ્તારને તો અસામાજિક તત્ત્વોએ યુરિનલની જગ્યા બનાવી દીધી હતી. રિક્ષાવાળાઓ છડેચોક પ્લેટફોર્મમાં ઘૂસીને પેસેન્જરને લઈ જતા હતા. હવે નવા ટર્મિનસમાં આ બધા દૂષણો તો દૂર થયા છે, પરંતુ તંત્રની કડકાઈના કારણે થૂકવું કે ગંદકી કરવાના મામલે પણ આકરો દંડ ફટકારાઈ રહ્યો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગત તા.પ જૂન, ર૦ર૩એ એમટીએસના લાલ દવાજા બસ ટર્મિનસનું લોકાર્પણ કરાયું હતું. ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નંબર-૧ પર બંધાયું હોઈ તેમાં રાજસ્થાનના ભરતપુરથી સ્પેશિયલ માર્બલ મંગાવીને બાંધકામમાં તેનો ઉપયોગ કરાયો છે.
આ ટર્મિનસમાં પેસેન્જર્સ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જેમ કે દરેક પ્લેટફોર્મ પર પેસેન્જર માટે બસના રૂટ અને સમયપત્રક માટેની માહિતી ઉપલબ્ધ કરાવતી પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ તેમજ દરેક પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે.
અહીં આવનાર તથા ટર્મિનસથી શરૂ થનાર બસની માહિતી એલઈડી સ્ક્રીન પર દર્શાવાઈ રહી છે. મુખ્ય કંટ્રોલરૂમ સાથે નવ કંટ્રોલ કેબિન મુકાઈ છે તેમજ એએમટીએસની ૧૯૪૭થી ર૦ર૩ સુધીની હિસ્ટ્રી વોલ પેસેન્જર્સને આકર્ષિત કરી રહી છે. પીવાના પાણીની સગવડ તેમજ પ્લેટફોર્મ પર સુંદર બેઠક વ્યવસ્થા પેસેન્જર્સને આકર્ષિત કરી રહી છે.
આની સાથે આ સુંદર ટર્મિનસની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમટીએસના સત્તાવાળાઓ જાગૃત છે. જૂના ટર્મિનસમાં અમુક પેસેન્જર્સ ગમે ત્યાં થુકતા હતા તેમજ કચરો ફેંકીને ચારે તરફ ગંદકી ફેલાવતા હતા, જાે કે તંત્રના આકરા પગલાના કારણે હવે આ પ્રકારની પ્રવૃતિ પર મહદ્અંશે બ્રેક લાગી છે, કેમ કે પ્લેટફોર્મ પર થૂંકનાર કચરો ફેંકી ગંદકી કરનાર પેસેન્જર પાસેથી સત્તાવાળાઓ રૂા.પ૦૦ સુધીનો દંડ વસૂલી રહ્યા છે.
એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સહકારથી ટર્મિનસમાં થૂંકવું, કચરો ફેંકવો, ગંદકી કરવી વગેરે બાબતોસર કસૂરવાર પેસેન્જર્સ પાસેથી દંડ વસૂલવામાં આવે છે, જેના કારણે આ ટર્મિનસની સ્વચ્છતા જળવાઈ રહી છે.
આ અંગે વધુ માહિતી આપતાં એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, તા.૬ જુન, ર૦ર૩થી અમે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સહકારથી ગંદકી સામે ઝૂંબેશ આરંભી છે અને તે દિવસથી લઈને તા.૧૭ ઓગસ્ટ સુધીમાં કુલ ર૦૦ પેસેન્જર્સને થૂંકવા કે કચરો ફેંકી ગંદકી કરવાના મામલે પકડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આ તમામ કસૂરવારો પાસેથી તા.૬ જૂન, ર૦ર૩થી તા.૧૭ ઓગસ્ટ, ર૦ર૩ સુધીના સમયગાળામાં કુલ રૂા.ર૦,૯૦૦ની પેનલ્ટી વસૂલાઈ છે.
પેન્લી વસૂલાત માટે ઉપયોગમાં લેવાયેલી બુ નં.૪૮૪૩ની કુલ ૧૦૦ પહોંચ દ્વારા રૂા.૧૧,રપ૦ની દંડ અને બુક નં.૪૮૪૪ની કુલ ૧૦૦ પહોંચથી રૂા.૯૬પ૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે. લાલ દરવાજા ટર્મિનસથી રોજના ૩૯ બસરૂટ ઓપરેટ થાય છે અને કુલ ૧૧૮ બસની અવરજવર થતી હોય છે.
૧૩ રૂટની બસ આ ટર્મિનસમાંથી પસાર થાય છે. જ્યારે રોજના સવા બે લાખ પેસેન્જર્સ લાલ દરવાજા ટર્મિનસથી અવરજવર કરતા રહ્યા છે. એએમટીએસના તમામ બસ ટર્મિનસ કરતા પેસેન્જર્સની સંખ્યા અને વર્કરો એમ બંને બાબતમાં લાલ દરવાજા ટર્મિનસ અવલ નંબરે છે.