ટ્રેનમાં ચઢવાની બાબતે ઝઘડો થતાં એક શખ્સે આગ લગાવતાં ત્રણ લોકોનાં મોત
(એજન્સી)કોઝિકોડ, કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવાને લઈને થયેલી બોલાચાલી દરમિયાન એક વ્યક્તિએ અન્ય વ્યક્તિને આગ લગાવી દીધી હતી. જેના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. મુસાફરોએ ઘટના અંગે આરપીએફને જાણ કરી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જ્યારે ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના બાદ કેટલાક મુસાફરોએ એક મહિલા અને બાળક ગુમ થયાની ફરિયાદ પણ કરી હતી. જે બાદ શહેર પોલીસ દ્વારા ટ્રેકના નિરીક્ષણ દરમિયાન એક મહિલા, એક બાળક અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા. બાળકની ઉંમર એક વર્ષની હતી. પોલીસને આશંકા છે કે આગ જાેઈને કાં તો તેઓ ટ્રેનમાંથી પડી ગયા હતા અથવા તો નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, લગભગ ૯ઃ૪૫ વાગ્યે જ્યારે અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેન કોઝિકોડ નગરને પાર કરીને કોરાપુઝા રેલ્વે બ્રિજ પર પહોંચી, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ સાથે મુસાફરી કરતા અન્ય વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને તેના પર જ્વલનશીલ પ્રવાહી રેડી તેને આગ લગાવી હતી.
પોલીસને શંકા છે કે અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઈમરજન્સી ચેઈન ખેંચી લીધા બાદ ટ્રેન ધીમી પડી ત્યારે આરોપી ભાગી ગયો હતો.
જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુમ થયેલી મહિલા અને બાળક પાટા પરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક પુરૂષનું અજાણ્યું શબ પણ મળી આવ્યું છે. અમને શંકાસ્પદ વ્યક્તિના સીસીટીવીફૂટેજ મળ્યા છે. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલો મુજબ આ ઘટના બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી બાદ બની હતી. કોઝિકોડ પોલીસ અને આરપીએફએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. કુલ ૯ લોકોને કોઝિકોડ મેડિકલ કોલેજ સહિત વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.