SRF કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ
ભરુચ: દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એસઆરએફ ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે મોડી સાંજે કંપનીના વેસલમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ દહેજ પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, દહેજ જીઆઈડીસીમાં આવેલી એસઆરએફ કંપનીના સી-૨ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી.
તે દરમિયાન સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું. આ સમયે ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ગુપ્તા પ્રસાદ અને રાજેન્દ્ર પરમારની હાલત વધુ ગંભીર બનતા તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અંગેની જાણ થથા સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ દહેજ પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે
થોડા સમય પહેલા ભરૂચના ઝગડીયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ-૫ના પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. આ ધમાકાની ઝપેટમાં ૨૪ લોકો ઘાયલ થયા હતા. કંપનીમાં ધમાકા પછી લાગેલી આગમાં ૨૪ કર્મચારીઓને ઇજા થઇ હતી. તેમને ભરૂચ, સુરત અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ગત વર્ષે જૂનમાં પણ ભરૂચની એક કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સ્ટોરેજ ટેંકમાં થયો હતો. પટેલ ગ્રુપની આ કંપનીમાં બ્લાસ્ટના કારણે ૧૦ લોકોના મોત થયા હતા. તેમાં ૬ના શબ તો બ્લાસ્ટવાળી જગ્યા પર જ મળ્યા હતા. જયારે ૪ના સારવાર દરમ્યાન મોત થયા હતા.