શ્રીલંકાએ ચીનના જહાજને રોકાણની મંજૂરી ન આપી: ચીનના પેટમાં તેલ રેડાયું
ભારતની ચિંતા બાદ -શ્રીલંકાએ તમામ દેશોના રિસર્ચ માટેના જહાજોને પોતાને ત્યાં નહીં રોકાવા દેવાનુ નક્કી કર્યુ
કોલંબો, ચીનના જહાજો રિસર્ચના નામે જાસૂસી કરવા માટે હિન્દ મહાસાગરમાં આંટાફેરા કરતા રહે છે અને ઘણી વખત શ્રીલંકાના બંદરો પર રોકાતા હોય છે. આ વખતે ભારતના દબાણ હેઠળ શ્રીલંકાએ ચીનના જહાજોને પોતાના બંદરો પર રોકાવા માટે મંજૂરી નહીં આપ્યા બાદ ચીન રોષે ભરાયુ છે.
શ્રીલંકાના મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના સંશોધક જહાજોને જાન્યુઆરી મહિનામાં દેશમાં રોકાણ કરવા માટે સરકારે મંજૂરી આપી નહોતી અને તેના કારણે ચીનની સરકાર નારાજ થઈ છે. જોકે શ્રીલંકાએ તમામ દેશોના રિસર્ચ માટેના જહાજોને પોતાને ત્યાં નહીં રોકાવા દેવાનુ નક્કી કર્યુ છે પણ તેની સૌથી વધારે અસર ચીન પર પડશે તે નક્કી છે. ઉપરાંત ચીન તો શ્રીલંકાને લોન આપ્યા બાદ તેના પર વારંવાર અધિકાર જતાવતું રહ્યું છે.
શ્રીલંકાએ લીધેલા ઉપરોકત નિર્ણય પાછળ ભારતની ચિંતા જવાબદાર હોવાનુ મનાઈ રહ્યુ છે. કારણકે રિસર્ચના નામે શ્રીલંકાના બંદર પર રોકાતા ચીનના જહાજોનો ઈરાદો ભારતની નૌસેનાની જાસૂસી કરવાનો હોય છે તેવી લાગણી ભારત સરકાર શ્રીલંકા સમક્ષ વ્યક્ત કરી ચુકેલી છે.
જેના કારણે શ્રીલંકાએ ચીનના જહાજ જિયાંગ યાંગ હોંગને જાન્યુઆરી મહિનામાં રુક જાવ…નો આદેશ આપી દીધો હતો. ચીનનું આ જહાજ દક્ષિણ હિન્દ મહાસાગરમાં શોધખોળ કરવા માટે આવી રહ્યું હતું.
એ પછી ચીનના મીડિયાએ શ્રીલંકાનો વિરોધ કરતા અહેવાલો પ્રકાશિત કર્યા હતા.એવુ પણ મનાઈ રહ્યું છે કે, શ્રીલંકાએ મનાઈ ફરમાવ્યા બાદ આ જહાજને રોકાણ માટે ચીને માલદીવનો સંપર્ક કર્યો હતો.
ગત સપ્તાહે આ જહાજ માલદીવ રોકાયુ હતુ.૨૨ ફેબ્રુઆરીએ માલે પહોંચ્યા બાદ જહાજ જિયાંગ યાંગ હોંગ ત્યાંથી ત્રણ દિવસ બાદ રવાના થયુ હતુ. હાલમાં પણ તેનો રુટ માલદીવના હુલહુમાલે નામના ટાપુ નજીકનો હોવાનુ ટ્રેકિંગ વેબસાઈટ્સ પર દેખાઈ રહ્યુ છે.