અંબાજી ખાતે સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે શ્રી શક્તિ વસાહતનું લોકાર્પણ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર ગરીબોની બેલી અને નિરાધારોનો આધાર છેઃ સાંસદ પરબતભાઇ પટેલ
(માહિતી બ્યુરો, પાલનપુર) યાત્રાધામ અંબાજી નજીક આવેલ કુંભારીયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ બનાવાયેલ શ્રી શક્તિ વસાહતનું સાંસદશ્રી પરબતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરી વિચરતી જાતિના ૩૩ લાભાર્થીઓને દિવાળીના તહેવારો નિમિત્તે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ૬૮ આવાસોનું ખાતમૂર્હત અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૯૪ લાભર્થીઓને સનદ આપવામાં આવી હતી. ગૃહપ્રવેશ પ્રસંગે વિચરતી જાતિની બહેનોએ ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
કુંભારીયા શ્રી શક્તિ વસાહતના લોકાર્પણ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે ગૃહપ્રવેશ કરનાર ૩૩ લાભાર્થીઓને નવા ઘરની શુભેચ્છાઓ પાઠવતાં ગૃહ પ્રવેશના પ્રતિક રૂપે ચાવી, રાશનકીટ અને સાડી આપી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર ગરીબોની બેલી અને નિરાધારોનો આધાર છે.
સરકારી યોજનાનો લાભ વંચિત, ગરીબ અને છેવાડાના માનવી સુધી પહોંચે એ ચિંતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. વિચરતી વિમુક્ત જાતિના વસવાટ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધગશથી કામ કર્યું છે. વંચિતો, દલિતો, આદિવાસીઓના વિકાસ માટેનો જે ચીલો શ્રી નરેન્દ્રભાઈ ચાતરીને ગયા છે એને ગુજરાતના તમામ મુખ્યમંત્રીશ્રીઓએ આગળ ધપાવી સૌના વિકાસનું સરાહનીય કામ કર્યું છે. ગરીબો અને વંચિતોના બાળકોને શિક્ષણ મળી રહે એની ચિંતા કરતી આ સરકાર છે.
જેના લીધે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું સ્તર વધ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જે લોકો વર્ષોથી રખડતું ભટકતું જીવન ગુજારતા હતા તેમને સ્થાયી કરવાનું કામ સરકારે કર્યું છે. આજે વીજળી, પાણી, બાથરૂમ, પંખા સહિતની સુવિધાઓથી સજ્જ મકાન લાભાર્થીઓને આપવામાં આવ્યા છે ત્યારે નવા ઘરમાં તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને તેઓ ખુશીથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે એવી શુભકામનાઓ આપી હતી.
આ પ્રસંગે તેમણે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી જેમને મકાન મળ્યા છે અને જેનો મકાનમાં પ્રવેશ થયો છે એ તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનવાડીયાએ જણાવ્યું કે વર્ષો પછી ઘરનું ઘર મળ્યાનો આંનદ અનેરો હોય છે.
ભૂતકાળની સરકાર છેવાડાના માનવીઓની ચિંતા કરતી નહોતી. જ્યારથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની છે ત્યારથી છેવાડાના માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકારની આવાસ, ઉજ્જ્વલા, નલ સે જલ જેવી અનેક યોજનાના લાભ મળ્યા છે. છેવાડાના માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ ડબલ એન્જીન સરકાર કરી રહી છે. ૨૧મી સદીમાં આપણું બાળક અભણ ન રહે એ જાેજાે અને બાળકોને પૂરતું શિક્ષણ આપજાે એમ કહેતાં ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓને મકાન મળવાની શુભકામનાઓ સાથે દિકરા-દિકરીઓને ભણાવવાની અપીલ કરી હતી.