શ્રી સોમનાથ મંદિર પરિસર ત્રિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યું

દેશના 77માં સ્વતંત્રતા પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રૃંગાર કરવામાં આવ્યો-મહાદેવના ત્રિરંગા શૃંગારના દર્શન કરીને ભક્તોએ ધર્મભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો અનુભવ કર્યો
સોમનાથ તા.15/08/2023 અધિક શ્રાવણ કૃષ્ણ ચતુર્દશી, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે 77માં સ્વતંત્રતા પર્વ પર ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંગમ સ્થાન બન્યું હતું. સોમનાથ મંદિરને કેસરી, સફેદ, અને લીલી રોશનીથી ત્રીરંગો રચાય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું.
મંદિર પરિસરમાં પ્રવેશની સાથે જ શ્રદ્ધાળુઓને શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનું રસપાન સોમનાથ તીર્થનું વાતાવરણ કરાવી રહ્યું હતું. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ના દર્શન કરીને ભક્તોએ સાચા અર્થમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિને એક થતી જોઈ હતી.
શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચરણ થી લઈને શિવલિંગ સુધી કેસરી સફેદ અને લીલા પુષ્પો અને પર્ણો તેમજ ત્રિરંગા કપડાથી સુશોભન કરવામાં આવ્યું હતું. જ્યોતિર્લિંગ પર ભારત દેશના નકશા ની સાથે ત્રીરંગા સુશોભિત કરવામાં આવ્યા હતા. જ્યોતિર્લિંગના કેન્દ્રમાં ત્રિરંગા બિલ્વપત્ર નિર્માણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શૃંગારને દેશના રાષ્ટ્રધ્વજ અનુસાર ત્રિરંગા થીમ ઉપર સુશોભન કરવામાં આવ્યું હતું.
ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રી સોમનાથ મંદિરનો ભારતની સ્વતંત્રતા સાથે અતૂટ સંબંધ છે. આપણા દેશની સ્વતંત્રતાની સાથે જ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના સ્વપ્નના બીજ રોપાયા હતા. અને આજે જ્યારે ભવ્ય સોમનાથ મંદિરની ધ્વજા આકાશમાં ફરકી રહી છે ત્યારે આપણો દેશ પણ વિશ્વભરમાં પ્રેરણા સ્ત્રોત બની નેતૃત્વ કરી રહ્યો છે.
અનેક બુદ્ધિજીવીઓએ અને વિચારકોએ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની અસ્મિતા કહ્યું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની શ્રી સોમનાથ મંદિર ખાતે ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મંદિર પર ત્રિરંગા રોશની અને મહાદેવ ને ત્રિરંગા શૃંગાર કરવામાં આવેલ.