શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સાતમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે
(પ્રતિનિધિ) વલસાડ, શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વલસાડના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ની પ્રેરણાથી સાતમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન પાંચમી મેના રોજ જૂજવા પરમ ગ્રીનવુડ ખાતે કરવામાં આવ્યું છે જે અંગે સંસ્થાના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને આજરોજ શ્રી કોળી પટેલ સમાજ ની વાડી તિથલ રોડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં સાતમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અંગે માહિતીઓ આપતા શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે યોજાનાર સાતમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં અંદાજે ૧૨૫ જેટલા નવદંપતિઓ નો સમાવેશ કરવામાં આવશે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કુલ ૨૧ જ્ઞાતિના લોકો જાેડાશે સંસ્થા દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કન્યાને પાનેતર વર અને શેરવાની સહિત અંદાજે ૨૫ થી ૩૦ હજાર રૂપિયાની રકમનું કરિયાવર સંસ્થા દ્વારા આપવામાં આવે છે આ સાથે જ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ નવદંપીઓ ને ગુજરાત રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરુ તેમજ સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ મળતા તમામ સરકારી લાભો આપવામાં આવે છે વધુ વિગતો આપતા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં જાેડાતા દિવ્યાંગ યુગલો પાસે સંસ્થા દ્વારા કોઈપણ જાતની ફી વસૂલ કરવામાં આવતી નથી જ્યારે અન્ય યુગલો માટે વ્યક્તિ દીઠ સાડા સાત હજાર રૂપિયા એટલે કે એક યુગલ દીઠ પંદર હજાર રૂપિયાની ફી વસૂલ કરવામાં આવે છે જે તમામ ફીનો ઉપયોગ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જ કરવામાં આવે છે આ સાથે જ તમામ જ્ઞાતિની સંસ્થાઓ ના સહયોગથી આ સમૂહ લગ્નની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં અંદાજે ૩૦૦ જેટલા કાર્યકરોની ટીમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું સમગ્ર મેનેજમેન્ટ ઉપર દેખરેખ રાખે છે
શ્રી તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમોલીશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સહિત અન્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સમૂહ લગ્નમાં હાજર વિષેશ હાજર રહેશે.
સંસ્થા દ્વારા અત્યાર સુધી આયોજિત ૬ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં કુલ ૭૯૦ જેટલા યુગલો લાભ લઈ ચૂક્યા છે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં અંદાજે ૩૫ થી ૪૦ હજાર લોકો ઉપસ્થિત રહેશે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં દિવ્યાંગ યુગલોને ગુજરાત સરકાર દ્વારા વિશેષ લાભો આપવામાં આવતા હોવાનું ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું શ્રી કોળી પટેલ સમાજની વાડી તીથલ રોડ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સંસ્થાના ઉપપ્રમુખ શ્રી શશીભાઈ પટેલ સહમંત્રી શ્રી રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.