રામકૃષ્ણ મિશન-બેલુર મઠના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજીનું મહાપ્રયાણ
બ્રહ્મલીન સ્વામી સ્મરણાનંદજી મહારાજના અંતિમ સંસ્કાર રાત્રે 9 વાગે બેલુર મઠ ખાતે થશે. બેલુર મઠના દરવાજા તા. ર6મીના રાતથી તા. ર7મીના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.
કોલકતા, રામકૃષ્ણ મિશન-બેલુર મઠના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજી મહારાજએ લાંબી બીમારી બાદ ગઇકાલ રાત્રે મહાપ્રયાણ કર્યુ છે. તેમની ઉંમર 95 વર્ષની હતી. દક્ષિણ કોલકતા સ્થિત રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનની હોસ્પિટલ શિશુ મંગલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેઓ કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
સ્વામી સ્મરણાનંદજીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉંડો શોક વ્યકત કર્યો છે. વડાપ્રધાને સ્વામી સ્મરણાનંદજી સાથેની પોતાની ફાઇલ તસ્વીરો મૂકીને એકસ પર લખ્યું છે ‘રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પૂજય અધ્યક્ષ સ્મરણાનંદજી મહારાજે પોતાનું જીવન અધ્યાત્મ અને સેવા માટે સમર્પિત કર્યુ હતું તેમણે હજારો લોકોના દિલ જીત્યા હતા અને અમીટ છાપ છોડી છે. તેમની કરૂણા અને જ્ઞાન આવનારી પેઢીઓને પ્રેરીત કરશે.
Srimat Swami Smaranananda ji Maharaj, the revered President of Ramakrishna Math and Ramakrishna Mission dedicated his life to spirituality and service. He left an indelible mark on countless hearts and minds. His compassion and wisdom will continue to inspire generations.
I had… pic.twitter.com/lK1mYKbKQt
— Narendra Modi (@narendramodi) March 26, 2024
પીએમ મોદીએ જણાવેલ છે કે, મારો તેમની સાથેનો સંબંધ ઘણો નજદીકનો રહ્યો છે. મને 2020ની બેલુર મઠ યાત્રા આજે પણ યાદ છે જયારે તે તેઓની સાથે વાર્તાલાપ કર્યો હતો. થોડા સમય પહેલા કોલકતામાં તેમના ખબર અંતર જાણવા હોસ્પિટલે ગયો હતો અને તેમના સ્વાસ્થ્યના બારામાં જાણકારી મેળવી હતી. મારી સંવેદનાએ બેલુર મઠના અસંખ્ય ભકતોની સાથે છે.
પીએમ મોદી તા. 5મી માર્ચના કોલકતા આવ્યા હતા ત્યારે સાંજે મહારાજને જોવા શિશુ મંગલ હોસ્પિટલ ગયા હતા અને તેમના સ્વાસ્થ્યના બારામાં જાણકારી મેળવી હતી. જયારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લખ્યું છે કે સ્વામી સ્મરણાનંદજી મહારાજની સમાધિના સમાચારથી આઘાત લાગ્યો છે.
આ મહાન સાધુએ પોતાના જીવનકાળમાં રામકૃષ્ણ વાદીઓની વિશ્વ વ્યવસ્થાને આધ્યાત્મિક નેતૃત્વ પ્રદાન કર્યુ તથા તેઓ વિશ્વભરમાં લાખો ભકતો માટે સાંત્વનાના સ્ત્રોત બન્યા છે. તેમન બધા સાથી ભીક્ષુઓ, અનુયાયીઓ તથા ભકતોને પ્રતિ મારી અંતરની સંવેદના વ્યકત કરૂં છું.
અત્રે ઉલ્લેખનીય છે કે રામકૃષ્ણ મઠ અને મિશનના પૂર્વ અધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદ મહારાજના નિધન પછી સ્વામી સ્મરણાનંદજી મહારાજે જુલાઇ-2017માં રામકૃષ્ણ મઠ તથા મિશનના 16માં અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળ્યો હતો. છેલ્લા છ મહિનાથી તેઓ વૃધ્ધાવસ્થા સંબંધિત બીમારીઓથી પીડિત હતા.
સ્વામી સ્મરણાનંદજી મહારાજનો જન્મ 19ર9માં તામિલનાડુના તંજાવુર જીલ્લાના અંદામી ગામમાં થયો હતો. તેઓ તેમના વિદ્યાકાળથી જ એક ઉગ્ર વાચક અને ઉંડા વિચારક હતા. તેઓ વીસ વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ ઓર્ડરની મુંબઇ શાખાના સંપર્કમાં આવ્યા હતા રર વર્ષની વયે મુંબઇ આશ્રમમાં જોડાયા હતા. 1960માં સ્વામી સ્મરણાનંદજી નામ આપવામાં આવેલ.
તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના અનેક પદો પર ફરજો બજાવી તથા વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ભારત અને વિશ્ર્વના વિવિધ ભાગોમાં વ્યાપક પ્રવાસ કર્યો હતો. તેઓ રાજકોટમાં 2001ની સાલમાં ભુકંપ સમયે આવેલા હતા. રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે સંવેદના વ્યકત કરી છે. તેમણે જણાવ્યું કે રામકૃષ્ણ મઠ તથા મિશનના નવા અધ્યક્ષ માટેની વરણી પંદર દિવસ બાદ થશે.