SSCમાં પાસ થયેલા તેજસ્વી તારલાઓ માટે “એવોર્ડ ફોર એકેડમિક એકસેલેન્સ – ૨૦૧૯”નું આયોજન
સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા, શહેર અમદાબાદ દ્વારા શહેર સ્તરે SSC–૨૦૧૯માં પાસ થયેલ તેજસ્વી તારલાઓ માટે “એવોર્ડ ફોર એકેડમિક એકસેલેન્સ – ૨૦૧૯”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. ૨૮ જુલાઈ, ૨૦૧૯ રવિવારના રોજ, ભવન્સ કોલેજ, ખાનપૂર, અમદાબાદના ઓડીટોરીયમમાં યોજવામાં આવ્યું હતું. આ એવોર્ડ પ્રોગ્રામમાં પાસ થયેલ પ્રથમ ૫૦૦ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને આશ્વાવસ ઈનામથી સન્માનિત કરવામાં આવ્યું હતું.
તેમજ ટોચના ૧૫ વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ, પુસ્તકો તેમજ રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ કાર્યક્રમમાં મહેમાન તરીકે ડો. સાકિબ મલિક (પ્રદેશ અધ્યક્ષ, એસ.આઈ.ઓ. ગુજરાત), જાવેદ કુરૈશી (પ્રદેશ સચિવ, એસ.આઈ.ઓ. ગુજરાત), ફેહમીદા કુરૈશી (પ્રદેશ સચિવ, જી.આઈ.ઓ. ગુજરાત), સુખદેવ પટેલ (શૈક્ષણિક કાર્યકર્તા) તેમજ મુખ્ય મહેમાન તરીકે લાબિદ શાફી (રાષ્ટ્રીય અધ્યક્ષ, એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા) દિલ્હીથી આવીને મોટીવેશનલ વકતવ્ય આપી વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
લાબિદ શાફીએ વિદ્યાર્થીઓથી અનુરોધ કર્યું હતું કે હવે પરંપરાગત સિદ્ધિઓ હાંસલ કરવાની સાથે પારંગત બનવું એ સમયની જરૂરત છે. તેજસ્વી તારલાઓમાં ત્રીજા સ્થાને મનસૂરી અતીકા અલ્તાફ ભાઈ, બીજા સ્થાને શેખ અફીફાનાઝ અલ્તાફ અહમદ તેમજ પ્રથમ સ્થાને મુહમ્મદ અઝીમ હનીફ ભાઈ આવ્યા હતા. તે બધાને રોકડ ઇનામ ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ તેમજ બીજા ઘણા ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યો હતો.