SSR કેસમાં આદિત્ય સંડોવાયો હોવાનું પુરવાર કરો : ઉદ્ધવ ઠાકરે
મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનમાં તેમનો પુત્ર આદિત્ય સંડોવાયો હોવાનું પુરવાર કરવાનો ભાજપને પડકાર ફેંક્યો હતો.
ઉદ્ધવે એવો આક્ષેપ કર્યો હતો કે આ કિસ્સામાં ભાજપ શિવસેના અને મુંબઇ પોલીસની બદનામી કરી રહ્યો હતો અત્યાર સુધી આદિત્ય ઠાકરે વિશે ઉદ્ધવ એક પણ શબ્દ બોલ્યા નહોતા.
મુંબઇમાં દશેરા ઓનલાઇન રેલી પ્રસંગે બોલતાં તેમણે કહ્યું કે મારી સરકાર સ્થપાઇ તે દિવસથીજ સતત એવી આગાહી કરાઇ રહી હતી કે મારી સરકાર ગમે ત્યારે પડી જશે. પરંતુ એવું કશું બન્યું નથી. 28 નવેંબરે અમારી સરકાર એેક વર્ષ પૂરું કરશે.
મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની ત્રિપક્ષી સરકાર છે જેને વિપક્ષો શંભુમેળાની સરકાર કહે છે. દર વરસે શિવસેના શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજે છે જેમાં હજ્જારો શિવસૈનિકો રાજ્યના ખૂણે ખૂણેથી હાજરી આપે છે. આ વખતે કોરોના હોવાથી પહેલીવાર એક થિયેટરમાં રેલી યોજાઇ હતી. ઉદ્ધવે એવો આક્ષેપ કર્યો હતો કે એક તરફ દેશભરમાં કોરોનાએ લાખો લોકોને બીમાર પાડ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર બિનભાજપી સરકારોને ગબડાવવામાં વ્યસ્ત છે.