દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી વિભાગ દ્વારા વધુ 2200 બસો દોડાવી 8 હજાર વધારાની ટ્રીપનું સંચાલન કરાશે
રાજ્યના નાગરિકો પોતાના સ્નેહી સાથે તહેવાર મનાવી શકે તે માટે પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો મનાવવાની ઇચ્છાનો ત્યાગ કરીને એસ.ટી નિગમના ૧૧ હજાર કર્મચારીઓ સલામત સવારી સાથે આપણી સેવામાં ફરજરત
‘એસ.ટી આપને દ્વારે‘ પ્રોજેક્ટનો મહત્તમ લાભ લઈ રહ્યા છે નાગરિકો: પાંચ દિવસમાં આ પ્રોજેક્ટ હેઠળ ૨૮૯ બસોના બુકિંગ થયા: ઘર આંગણે બસ સુવિધા ઉપલબ્ધ કરાઈ
અમદાવાદ, દિવાળીના તહેવારોમાં સૌ કોઇ પોતાના પરિવારજનો સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે એસ.ટી નિગમના ડ્રાઇવર-કંડક્ટર પોતાના પરિવાર સાથે તહેવારો ઉજવવાની ઇચ્છાનો ત્યાગ કરીને આપણી સેવામાં ફરજરત છે. આપણે સૌ આરામદાયક સવારી સાથે આપણા સગા-સ્નેહીઓ પાસે જઇને તહેવારની મજા માણી શકીએ તે માટે ખુબ જ નિષ્ઠા સાથે ડ્રાઇવર-કંડક્ટર ઓવરટાઇમ કરીને પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ તમામ ડ્રાઇવર-કંડક્ટર તેમજ આ બસો કોઇ પણ તકલીફ વિના ચાલે તે માટે સતત ચિંતા કરતા મિકેનિક સહિતના એસ.ટી નિગમના કર્મચારીઓને તેમની આ સેવા માટે અભિનંદન પાઠવ્યા છે.
દિવાળીના તહેવારોમાં કોઇને મુસાફરીમાં અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખીને એસ.ટી વિભાગ દ્વારા તા.૨૨મી ઓક્ટોબર થી તા.૨જી નવેમ્બર સુધી ૨૨૦૦ વધુ બસો દોડાવી વધારાની ૮ હજાર ટ્રીપનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. તેવી જ રીતે લાભ પાંચમથી અગીયારસ દરમિયાન વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.
પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો મનાવવાની ઇચ્છાનો ત્યાગ કરીને આપણા સૌને સમયસર મુકામે પહોંચાડવા એસ.ટી નિગમના ૧૧ હજાર જેટલા ડ્રાઇવર, કંડક્ટર અને મિકેનિક સહિતના કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. નોંધનીય બાબત એ છે કે, આ કર્મચારીઓમાં ૧૫૦થી વધુ મહિલા કંડક્ટરનો પણ સમાવેશ થાય છે.
તહેવારો દરમિયાન રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ બસ સેવા ઉપલબ્ધ થાય તે માટે ‘એસ.ટી આપને દ્વારે‘ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રુપમાં વતન કે બહારગામ જવા ઈચ્છુક લોકો બસનું બુકિંગ કરી ઘર આંગણે સેવા મેળવી શકે છે. આ પ્રોજેક્ટનો તહેવારોમાં લોકો મહત્તમ લાભ લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ પાંચ જ દિવસમાં ૨૮૯ બસોના બુકિંગ થયું છે. જેમાં ૪ હજાર લોકોએ આ સેવાનો લાભ લઈ લીધો છે અને ૧૧ હજાર જેટલા લોકો દિવાળી અને નૂતન વર્ષના દિવસે ઘર આંગણે બસ સુવિધાનો લાભ લેશે.