ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક મોલમાં સ્ટેબિંગઃ છનાં મોત
મહિલા પોલીસ અધિકારીએ પીછો કરી હુમલાખોરને ઠાર કર્યાે
(એજન્સી)સિડની, ઓસ્ટ્રેલિયાના સિડનીના એક વ્યસ્ત મોલમાં છરાબાજી (સ્ટેબિંગ)ની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તેમને એવા અહેવાલો મળ્યા હતા કે સિડનીના એક શોપિંગ સેન્ટરમાં ઘણા લોકો પર છરાથી હુમલો કરવામાં આવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાઓ વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલ સંકુલમાં બની હતી.
શનિવારે બપોરે ઘટના સમયે મોલમાં ભારે ભીડ હતી. પોલીસે જણાવ્યું હતું કે છરાબાજીની ઘટના બાદ મોલ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને આ સ્થળથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. જોકે, આ ઘટનામાં પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે.
પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં હુમલાખોર સહિત છ લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છરાબાજીના હુમલામાં “બહુવિધ જાનહાનિ” થઈ છે.
તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, દુઃખદ રીતે, બહુવિધ જાનહાનિ નોંધવામાં આવી છે અને તમામ ઓસ્ટ્રેલિયનોની લાગણીઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પ્રિયજનો સાથે છે.
ન્યૂ સાઉથ વેલ્સ એમ્બ્યુલન્સે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, પોલીસે એક વ્યક્તિની ગોળી મારીને ઠાર માર્યો છે. એવું માનવામાં આવે છે કે તે હુમલાખોરોમાંનો એક છે. જોકે હુમલા પાછળનો તેનો હેતું શું હતો તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, છરાબાજીની ઘટના બાદ મોલમાં ભાગ-દોડ મચી ગઈ હતી. મોલમાં હાજર લોકો સલામત સ્થળો તરફ દોડી રહ્યા હતા.
પોલીસે વિસ્તારને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા લોકોએ સુપરમાર્કેટમાં આશ્રય લીધો હતો, જ્યાં તેઓ લગભગ એક કલાક સુધી છુપાયા હતા. પોલીસ સાયરન અને હેલિકોપ્ટરના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ હંગામા વચ્ચે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. એક સાક્ષીએ નજીકના દાગીનાની દુકાનમાં આશરો લેતા પહેલા એક મહિલાને જમીન પર પડેલી જોઈ હોવાનું જણાવ્યું હતું.