Western Times News

Gujarati News

ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીઓના હિતમાં ૧૪ જેટલા મહેસૂલી નિયમોમાં મહત્ત્વના નીતિવિષયક સુધારા કર્યા

બિનખેતીનો હુકમ, બી.યુ. પરમિશન, લે-આઉટ પ્લાન વગેરે દસ્તાવેજી પુરાવાના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત ગણાશે નહીં.

Ø  સખાવતી હેતુસર તબદીલીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળશે

Ø  ગુડ ગવર્નન્સની આ આગવી પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનશે

Ø  ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં નમૂના નં.૭માં સ્પષ્ટતા કરવાનો નિર્ણય

Ø  સ્ટે-ઓર્ડર ન હોય તેવા પડતર દાવાની નોંધ નમૂના-૭માં ન કરવા તેમ જ લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય

Ø  સિટી સર્વે રેકર્ડ-હક્ક ચોકસી-પ્રમોલગેશનમાં ક્ષતિ કે ભુલસુધારણાની સમયમર્યાદા તા. ૩૧ ડિસેમ્બર-ર૦ર૩ સુધી લંબાવવામાં આવી

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને હૈયે રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે.

સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો આમાં સમાવેશ થાય છે.

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયોની વિસ્તૃત ભૂમિકા આપી હતી. આ સુધારાને પરિણામે હવે ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૧૦૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં.

એટલું જ નહીં, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના ૪.૯૦ ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૩૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.

રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ-૩૬ તથા મહેસૂલ વિભાગ/સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવાપાત્ર છે, તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નં.૭માં કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

નવી શરતની/સાંથણીની/ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ/બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પારિવારિક વિવાદ કે અસમંજસતા આના પરિણામે દૂર થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિવિષયક સુધારા અનુસાર હવે, એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી(રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે) સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં. ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ તલાટી દ્વારા ગ્રામ્ય/શહેરી વિસ્તારનાં મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામાં કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે. વ્યક્તિનું અવસાન રહેણાંક/વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ખેતીની જમીન બિનખેતી થયા બાદ, પ્રોપર્ટી કાર્ડ ન બનેલ હોય તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ઉત્તરોત્તર ફેરફાર નોંધ કરી શકાશે તેવો જનહિતલક્ષી નિર્ણય પણ તેમણે કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીનના હક્ક દાવા સંદર્ભે બિનજરૂરી ટાઈટલનો વિવાદ ટાળવા, આવા દાવા સંદર્ભે કોઈ સ્ટે-ઓર્ડર ન હોય ત્યારે, પડતર દાવા(લીસ પેન્ડેન્સી)ની નોંધ ગામ નમૂના-૭માં નોંધ ન કરવા અને સબરજિસ્ટ્રાર દ્વારા લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ફળઝાડ તથા અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડાપટ્ટે આપેલ જમીનોનો મહત્તમ ઉપયોગ થાય તથા પટ્ટેદારની આજીવિકામાં વધારો થાય તે હેતુસર આવી જમીનો ઉપર ખેતી કરવાની મંજૂરી આપવાનો રાજય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેના પરિણામે ખેત ઉત્પાદન વધશે, અને જમીન કે જે મર્યાદિત કુદરતી સ્ત્રોત છે તેનો મહત્તમ ઉપયોગ શકય બનશે. આ જમીન પર ખેતી કરવાના કારણે પટ્ટેદારને ખેડુતનો દરજજો મળશે નહીં.

આ ઉપરાંત સિટી સર્વે રેકોર્ડ, હક્કચોક્કસી, પ્રમોલગેશન ક્ષતિ સુધારણાની મુદ્દત, ૩૧/૧૨/૨૦૨૩ સુધી લંબાવવાનો નિર્ણય તેમણે કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ હિસ્સા માપણીના પેચીદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જમીનના પેટાવિભાગ અર્થાત્ હિસ્સા માપણીના કિસ્સામાં સહકબ્જેદારો વચ્ચે જ્યારે સહમતિ સધાતી ન હોય તેવા કિસ્સામાં હિત ધરાવતા પક્ષકારોને બે વખત દસ-દસ દિવસની નોટિસ આપ્યા બાદ પણ જો કોઈ પક્ષકાર સંમત ન થાય, તો સર્વે નંબરની હિસ્સામાપણી કરી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમતળના વાડા નિયત કિંમત વસૂલીને નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય પણ કર્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે. મુખ્યમંત્રીશ્રીએ મહેસુલી સેવાઓમાં સુશાસનનો અભિગમ અપનાવતા અન્ય પણ બે મહત્વના નિર્ણયો કર્યા છે.

તદઅનુસાર ગણોતધારાની કલમ ૪૩/૬૩ ની મંજૂરી બાદ એન.એ બિનખેતી પરવાનગીની સમયમર્યાદા બે વર્ષથી વધારીને પાંચ વર્ષ તથા બિનખેતી ઉપયોગ કરવાની સમયમર્યાદા દૂર કરવાનો પ્રજાલક્ષી નિર્ણય શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

આ ઉપરાંત ગણોત કાયદાની ૩ર એમ હેઠળ ખરીદ કિંમત ભરવાની મર્યાદા તા. ૩૧-૧ર-ર૦ર૪ સુધી લંબાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શહેરોમાં સીટી સર્વે છે ત્યાં બિનખેતીની મિલકતોના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત પુરાવાના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અર્થે રાજય સરકારે હકારાત્મક નિર્ણય કર્યો છે. જેમાં બિનખેતીનો હુકમ, બી.યુ. પરમિશન, લે-આઉટ પ્લાન વગેરે દસ્તાવેજી પુરાવાના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત ગણાશે નહીં.  વધુમાં, ગામતળની જમીનમાં બિનખેતી કરવાની જોગવાઇ ન હોઇ, આવી જમીનનો બિનખેતી હુકમ ઉપલબ્ધ ન હોય તેથી તેમાં પણ છૂટછાટ અપાશે. જેના નિરાકરણ અર્થે આ પુરાવા જુના મકાનોના સંદર્ભે ફરજિયાત ગણાશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.