Western Times News

Gujarati News

ભાલકાતીર્થ લાઈવ દર્શન સેવાનો પ્રારંભ

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે વિશ્વભરમાં ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે. ગિરસોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, પ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે શ્રીભાલકા લાઈવ દર્શન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ અવસર પર શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ, અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ એક વાક્ય હંમેશા પુનરાવર્તિત કરે છે અર્થાત શ્રીકૃષ્ણ આખા વિશ્વના ગુરુ છે જેમને આપણે વંદન કરીએ છીએ. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણએ જ્યાં પોતાના જીવનકાળની અંતિમ લીલા ના દર્શન કરાવ્યા એવા ભાલકાતીર્થના લાઈવ દર્શન ભક્તોને ઘરે બેઠા મળી શકે તેના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતા હેઠળ કામ કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાલકાતીર્થ લાઈવ દર્શન સેવાનો પ્રારંભ કરાયો છે.

આ સેવા અંતર્ગત સોમનાથ ટ્રસ્ટની ઑફિશ્યલ વેબસાઈટ somnath.org તેમજ સોમનાથ ટ્રસ્ટના Facebook youtubeસહિતના માધ્યમો પર ભાલકા તીર્થ ના લાઈવ દર્શન સવારના ૬ઃ૩૦ કલાકથી રાત્રે ૮ઃ૩૦ કલાક સુધી કરી શકશે. ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન અંદાજિત ૮૦ કરોડ લોકો કરી રહ્યા છે. ત્યારે પ્રભાસભૂમિ શ્રીકૃષ્ણની સ્વધામ ગમન ભુમી છે. શ્રીકૃષ્ણનો મહિમા આ ભૂમિ પર અદભુત છે. સનાતન સંસ્કૃતિમાં સૃષ્ટિના પાલક ભગવાન પણ પોતાના કર્મોથી ઉપર નથી તે વાતનું ઉત્તમ ઉદાહરણ ભાલકાતીર્થ આ ક્ષેત્રમાં વસેલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.