“સ્વાગત”માં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીએ અરજદારોની રજુઆતો સાંભળી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર શાસન સેવા દાયિત્વ સંભાળ્યા પછી પ્રથમ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને અરજદારોની રજુઆતો સાંભળી
નાનામાં નાના માનવી-સામાન્ય માણસને પોતાની રજુઆત-સમસ્યાઓ માટે રાજ્ય કક્ષાએ આવવું જ ન પડે તેવી પરિણામકારી કાર્યપદ્ધતિ જિલ્લા સ્તરે વિકસાવવા દિશાનિર્દેશ આપતા મુખ્યમંત્રીશ્રી
ડિસેમ્બર મહિનામાં રાજ્ય-જિલ્લા-તાલુકા અને ગ્રામ સ્વાગત મળી ર૯૬૧ રજુઆતોમાંથી રપ૪૬નું નિવારણ થયું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટીતંત્રના અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે નાનામાં નાના માનવી, સામાન્ય માણસને પોતાની રજુઆત, સમસ્યાના સમાધાન માટે રાજય કક્ષાએ આવવું જ ન પડે તેવી પરિણામકારી કાર્યપદ્ધતિ જિલ્લા સ્તરે જ તેઓ વિકસાવે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે બીજીવાર શાસન સેવા દાયિત્વ સંભાળ્યા બાદ નવી સરકારના પ્રથમ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજુઆતોના સંદર્ભમાં આ નિર્દેશ આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જિલ્લા કક્ષાની કચેરીઓમાં પ્રજાને પોતાની રજુઆતોમાં કોઇ અગવડતા ન પડે અને સમસ્યાનું યોગ્ય નિવારણ થશે જ તેવો વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કલેકટર તંત્રમાં પ્રભાવક રીતે ઊભી થવી જોઇએ.
એટલું જ નહિ, જિલ્લા કલેકટરો ગામોની મુલાકાત લઇ લોકસંપર્ક કેળવે તેવી હિમાયત તેમણે કરી હતી.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્વાગત કાર્યક્રમમાં ડિસેમ્બર મહિના દરમ્યાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગત મળીને કુલ ર૯૬૧ જેટલી વિવિધ રજુઆતો મળી છે તેમાંથી રપ૪૬ જેટલી રજુઆતોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે.
દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. મુખ્યમંત્રીશ્રી સ્વયં આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહી રજુઆત કર્તાઓની રજુઆતો સાંભળે છે અને તેના યોગ્ય નિવારણ માટેના સૂઝાવો-સૂચનો સંબંધિત તંત્રવાહકોને આપે છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આજે રાજ્ય સ્વાગતમાં વિવિધ જિલ્લાઓના ૯ જેટલા નાગરિકોની રજુઆતો આવી હતી. તેમણે આ રજુઆતો શાંતિપૂર્ણ રીતે સાંભળીને સંબંધિત જિલ્લા તંત્રવાહકોને સત્વરે યોગ્ય કરવા અને તેની જાણ મુખ્યમંત્રી કાર્યાલયને કરવા પણ સૂચન કર્યુ હતું.
ગુરૂવાર, તા.રર મી ડિસેમ્બરે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ થયેલા પ્રશ્નો-રજુઆતો સંદર્ભની પૂરક વિગતો સાથે ગૃહ, ઊર્જા, મહેસૂલ, સિંચાઇ વગેરે વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.