આદિજાતિના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

વર્ષ ૨૦૨૪-૨૫માં આદિજાતિ વિકાસ માટે ફાળવાયેલી રૂ. ૩,૪૩૨.૪૨ કરોડની ગ્રાન્ટમાંથી રૂ. ૨,૯૩૦ કરોડ એટલે કે ૮૫ ટકાથી વધુ ગ્રાન્ટ વપરાઈ: આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના-૧માં કુલ રૂ. ૧.૦૬ લાખ કરોડનો ખર્ચ કરાયો
વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે આદિજાતિના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગત વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં આદિજાતિ વિકાસ માટે રૂ. ૪,૩૭૩.૯૬ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાંથી ફાળવવામાં આવેલી કુલ રૂ. ૩,૪૩૨.૪૨ કરોડની ગ્રાન્ટની સામે તા. ૨૬ માર્ચ-૨૦૨૫ની સ્થિતિએ રૂ. ૨૯૩૦.૯૧ કરોડ એટલે કે ૮૫.૩૯ ટકા ગ્રાન્ટ વાપરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આદિજાતિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બજેટ હેઠળ કરેલ નાણાકીય જોગવાઈ પૈકી ઓછું ખર્ચ થવામાં અમુક ખર્ચ દર મહિને-દર ત્રિમાસે થતો હોવાના કારણે, યોજનાકીય કાર્યોમાં કામોની પસંદગી, તેની મંજૂરી અને કામોના અમલીકરણની પ્રક્રિયામાં સમય લાગતો હોવાના કારણે તેમજ વ્યક્તિગત સહાયની યોજનાઓમાં લાભાર્થીઓ પાસેથી અરજી મેળવી, તેની ચકાસણી કરવા તેમજ સહાયની રકમ ચૂકવવાની પ્રક્રિયામાં સમય લાગતો હોય છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે વનબંધુઓના વિકાસ માટે સરકારે વ્યક્તિગત, કૌટુંબિક અને સામુદાયિક ધોરણે વિકાસના અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ તરીકે જાણીતી વનબંધુ કલ્યાણ યોજના (VKY)નો અમલ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૭ના દિવસથી એક વિશિષ્ટ મિશન તરીકે શરૂ કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના-૧ (VKY-1)માં કુલ રૂ. ૧.૦૬ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાની અમલ થકી અકલ્પનીય પરિણામો મળતાં વન બંધુ કલ્યાણ યોજના-૨ શરૂ કરવામાં આવી.
તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમને આગળ ધપાવતાં રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૬ માટે ૧ લાખ કરોડની વન બંધુ કલ્યાણ યોજના-૨ શરૂ કરી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ સુધી રૂ. ૬૯૮૮૦ કરોડની જોગવવાઇ કરવામાં આવી હતી.
તદુપરાંત, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૩૦,૧૨૧ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આમ, જે એક લાખ કરોડની જાહેરાત કરવામાં આવી હતી, તે મુજબ અમારી સરકારે પાલન કરી અને જાહેરાત મુજબ એક લાખ કરોડ જોગવાઇ કરી છે.
આ યોજના દ્વારા આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ૫૮૮૪ ગામોમાં રહેતા અંદાજે ૧ કરોડ આદિજાતિ સમાજના લોકોને વ્યક્તિગત અને સામુદાયિક લાભો સુનિશ્ચિત કરી, તેઓના આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તેવા પ્રયત્નો આ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેમજ તેઓના અધિકારો અને સાંકૃતિક અસ્મિતાનું જતન કરવામા આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.