સ્ટેટ જીએસટી ખાતા દ્વારા કરચોરી કરતા મોબાઇલનાં વેપારીઓ સામે કરવામાં આવેલ કાર્યવાહી
તાજેતરમાં, કેટલાક પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયામાં મોબાઈલ ફોનનો વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સામે કરેલ તપાસ દરમિયાન સ્ટેટ જીએસટીના અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
જ્યારે વિભાગ તેની પ્રવૃત્તિઓમાં નિરપેક્ષતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે આ બાબતે રાજ્યના GST વિભાગની સ્થિતિ, જે અજ્ઞાત કારણોસર મીડિયા અહેવાલોમાં પ્રતિબિંબિત થઈ નથી તે નીચે મુજબ છે:
ઓકટોબર, 2023માં રાજ્યના જીએસટી વિભાગે મોબાઇલ ફોનના વેચાણ અને વેપાર સાથે સંકળાયેલા સમગ્ર ગુજરાતમાં સ્થિત 74 કરદાતાઓ સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સદર તપાસો દરમિયાન મોબાઇલના વેપારીઓ દ્વારા બોગસ ખરીદીઓ દર્શાવી તથા ત્રાહિત ગ્રાહકો દ્વારા ઓનલાઇન કરેલ ખરીદીઓના આધારે ન મળવાપાત્ર ખોટી વેરાશાખ મેળવીને આશરે રુ. 17.35 કરોડ ની કર ચોરી કર્યા હોવાનુ ઉજાગર થયેલ હતુ.
આવા જ એક કરદાતાના કેસમાં, એટલે કે બાલાજી મોબાઈલ કે જેઓ એ વિભાગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, તેના કેસમાં રૂ.2.8 કરોડથી વધુની GST ચોરી શોધી કાઢવામાં આવી છે. આ કરદાતાએ ઑકક્ટોબર 2023માં સક્ષમ અધિકારી સમક્ષ કરેલી તેમની લેખિત રજૂઆતમાં આવી કરચોરીમાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી હતી અને લેણાં સામે તપાસ બાદ રૂ. ૪૦ લાખની રકમ ભરપાઇ કરેલ હતી. તેમને ટૂંકા ગાળામાં બાકીની રકમ ચૂકવવાની બાંહયેધરી પણ આપેલ હતી પરંતુ તેમ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
તેથી સરકારી આવકની વસુલાત માટે, 30મી નવેમ્બર, 2024ના રોજ મેસર્સ બાલાજી મોબાઈલને GST વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે શા માટે તેમને સરકારની બાકીની રકમ માટે જવાબદાર ઠેરવવામાં ન આવે, કે જે લેણાં તેણે ઓકટોબર, 2023માં લેખિતમાં ભરવાપાત્ર હોવાનુ સ્વીકાર્યા હતા.
જ્યારે રાજ્યનો જીએસટી વિભાગ બાલાજી મોબાઇલ દ્વારા આ મામલે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે તે કરચોરી કરનારાઓ પાસેથી સરકારી લેણા સુરક્ષિત કરવા અને વસૂલવા માટે તમામ કાયદાકીય પગલાઓ લેવા માટે ખાતુ પ્રતિબદ્ધ છે.