GSRTC નિગમની તમામ બસો તથા બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતાની કામગીરી કરાશે
રાજ્ય વાહન વ્યવહાર મંત્રી ગાંધીનગર બસ ડેપો ખાતેથી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો પ્રારંભ
સ્વચ્છતા હી સેવા : શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ: શ્રી એમ. એ. ગાંધી (એમ.ડી, એસ.ટી. નિગમ)
· કેમ્પેઇનનો લોગો, જીંગલ તેમજ સ્વચ્છતા માટે પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ લોન્ચ કરાશે
· સીટ રીપેરીંગ, કલર કામ તથા ડેંટિંગ રીપેરીંગ સહિત મુસાફર બેઠક વ્યવસ્થા, વિકલાંગ વ્યક્તિઓ માટે રેલીંગ, રેમ્પ, ટોઈલેટ બ્લોક અપગ્રેડેશનની કામગીરી કરાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે ગાંધીનગર બસ ડેપો ખાતેથી તા. ૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો શુભારંભ કરાવ્યો હતો.
એસ.ટી. નિગમના એમ.ડી. શ્રી એમ. એ. ગાંધીએ “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનની વિગતો આપતા કહ્યું કે, નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે.
શ્રી ગાંધીએ વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાત તેમજ પાડોશી રાજ્યોના મુસાફરોની મુસાફરી સુખમય બની રહે તે માટે આ અભિયાન હેઠળ રાજ્યના નિગમના તમામ બસ સ્ટેશનોએ સ્વચ્છતાની વિવિધ કામગીરી હાથ ધરાશે. જેમાં વિવિધ એન.જી.ઓ, શાળા/કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વછતા દોડ, રકતદાન શિબિર, વોલ પેઇન્ટિંગ અને બસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાશે. નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે. સોશિયલ મીડિયા પર હેશટેગ(#) શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ચલાવાશે.
ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ નો શુભારંભ..#SwachhBharat #GujaratST #SubhYatraSwachhYatra pic.twitter.com/3by615I4Gu
— GSRTC (@OfficialGsrtc) December 2, 2023
તેમણે કહ્યું કે, મુસાફરો બસ અને બસ સ્ટેશનોની સ્વચ્છતાનો અભિપ્રાય પણ આપી શકશે. જે માટે ખાસ પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ હશે. નિગમના અધિકારીશ્રીઓ દ્વારા સ્વચ્છતાની કામગીરીનું સમયસર ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુશન કરાશે. તેમણે વાહનોની કામગીરી સંદર્ભે વધુ વિગતો અપતા કહ્યું કે, એસ.ટી. નિગમની ૧૬૮૧ બસોમાં ડસ્ટબીન મૂકવામાં આવી છે.
જ્યારે બાકી રહેતી અન્ય બસોમાં પણ આગામી ૧૦ દિવસમાં ડસ્ટબીન મૂકાશે. ડેન્ટીંગની જરૂરીયાતવાળા ૫૪૧ વાહનોને ૬૦ દિવસમાં દુરસ્ત કરવામાં આવશે. કલર કામની જરૂરીયાતવાળા ૫૧૬ વાહનોની આગામી ૧૦૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સીટની રીપેરીંગની જરૂરીયાતવાળા ૪૮૨ વાહનોના રીપેરીંગની કામગીરી આગામી ૧૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
રાજ્યના તમામ ૨૬૨ બસ સ્ટેશનો ખાતે ટોઈલેટ બ્લોકના અપગ્રેડેશનની કામગીરી આગામી ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. રાજયના ૨૧૬ બસ સ્ટેશનો ખાતે મુસાફર બેઠક વ્યવસ્થા, વિકલાંગ વ્યક્તિઓ માટે રેલીંગ, રેમ્પ, કલર કામગીરી તેમજ સરકયુલેશન વિસ્તાર સહિત અપગ્રેડેશન/નવીનીકરણની કામગીરી આગામી ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
૧૩ નવીન બસ સ્ટેશનની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે ૩૩ સ્થળો ખાતે નવીન બસ સ્ટેશન નિર્માણ કરાશે. ૫૦ સ્થળો ખાતે આર.ઓ. ટ્રીટેડ શુધ્ધ પાણીની સુવિધા આગામી ૫૦ દિવસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુસાફરી દરમિયાન જ્યારે બસો બસ સ્ટેશન ખાતે આવશે ત્યારે ૫-૧૦ મિનિટના વિરામના સમયે સ્વચ્છતા કર્મીઓ દ્વારા બસોની સફાઇ કરવામાં આવશે તેમ શ્રી ગાંધીએ કહ્યું હતું.