મોરબી હોનારત પર શંકરસિંહ વાઘેલાએ આપ્યું આવું નિવેદન
લોકોને મોતના કુવામાં કોને ધકેલ્યા તેની તપાસ થવી જાેઈએઃશંકરસિંહ
મોરબી, મોરબી પૂલ દુર્ઘટનાને લઇને રાજય આખું હચમચી ગયું છે. આ કરુણાંતિકામાં અનેક પરિવારોએ બાળકો ખોયા તો અનેક પરિવારના વ્હાલાસોયા અને કંધોતર છીનવાઇ ગયા જેને પગલે મોરબીમાં માતમ છવાયો છે. ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મોરબીની હોનારતએ માનવસર્જીત હોનારત છે. આથી હાઈકોર્ટે સુઓ મોટો લઈ તપાસ કરવી જાેઈએ. તેમજ લોકોને મોતના કુવામાં કોને ધકેલ્યા તે મામલે ઊંડી તપાસ થવી જાેઇએ અને કશૂરવારો તથા ગુજરાત સરકાર પર માનવવધનો ગુનો દાખલ થવો જાેઈએ. તેવી શંકરસિંહ વાઘેલાએ માંગ ઉઠાવી છે.
ગઇકાલે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ધટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોને વ્યથિત કર્યા છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતા ૪૦૦થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી ૨૫થી વધુ બાળકો સહિત ૧૪૧થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈને વિપક્ષ આક્રમક બન્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પાસે નિષ્પક્ષ અને સમય બદ્ધ તપાસની પણ માંગ કરી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલ દુર્ઘટનામાં રાજીનામું આપી દીધું હતું. ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપી રહ્યા છે કે તેમને કાઢવામાં આવી રહ્યા છે અમે એ જાણવા માંગીએ છીએ. કોની જવાબદારી છે આ રાજ્યની?
કોણ જવાબદારી લઈ રહ્યા છે ગુજરાતના લોકોની જિંદગીની? શું આ કંપની પાસે સંચાલન અને રીપેરિંગનો અનુભવ છે? આ દરેક સવાલ લોકોના મગજમાં છે. તેમણે જણાવ્યું કે, ઘણા પ્રયાસો કરવામાં આવશે આ મુદ્દો શિફ્ટ થઈ જાય, લોકોનું ધ્યાન મોરબી પરથી હટાવીને કોઈ બીજા મુદ્દા પર લઈ જવામાં આવે.
અમે બે હાથ જાેડીને આપને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દા પરથી ધ્યાન હટવા દેતા નહીં. આપણે આ મુદ્દા પરથી ધ્યાન હટાવી લઈશું, તો સરકારને કોઈ બીક નહીં રહે. આ લોકો દરરોજ સવારથી સાંજ તમાશો કરતા રહેશે.