Western Times News

Gujarati News

કેદીઓની સજામાફીની જવાબદારી રાજ્યોનીઃ સુપ્રીમ

શરતો એટલી દમનકારી કે કડક ન હોવી જોઈએ કે દોષિત કાયમી માફી આપતા હુકમનો લાભ લઈ શકે નહીં

(એજન્સી)નવી દિલ્હી, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાત્રતા ધરાવતા કેદીઓને વહેલી સજામાફી આપવાની નીતિ ઘડવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે તમામ દોષિતોની વહેલી જેલમુક્તિ પર વિચારણા કરવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે અને કેદીઓએ કાયમી સજામાફીની અરજી કરવી જરૂરી નથી.

જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાન બનેલી ખંડપીઠે સીઆરપીસીની કલમ ૪૩૨ અથવા બીએનએસએસની કલમ ૪૭૩ હેઠળ માફીનીતિ ન ધરાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે મહિનામાં આ અંગેની નીતિ ઘડવાનો આદેશ આપ્યો હતો.સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કેદીની વહેલી સજામાફીને મંજૂર કરવાની નીતિ ધરાવતા રાજ્યોની જવાબદારી છે કે તેઓ કેદીઓ સજામાફી માટે લાયક બને ત્યારે તેની વિચારણા કરે.

આવા કિસ્સામાં દોષિત કે તેમના સંબંધીઓ કાયમી મુક્તિ માટે ચોક્કસ અરજી કરે તે જરૂરી નથી. જેલ મેન્યુઅલ અથવા સંબંધિત સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય કોઈપણ વિભાગીય સૂચનામાં આવી નીતિ માર્ગદર્શિકા હોય ત્યારે ઉપરોક્ત નિર્દેશ લાગુ થશે.જામીન આપવા અંગેના સુઓ મોટો કેસમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે સંબંધિત સરકારો પાસે કાયમી માફી આપતા ઓર્ડરમાં યોગ્ય શરતોનો સમાવેશ કરવાની સત્તા છે અને આ શરતોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા વિવિધ પરિબળોની વિચારણા કરવી જરૂરી છે.

આ શરતોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ કે ગુનેગારની ગુનાહિત વૃત્તિઓ, જો કોઈ હોય તો, નિયંત્રણમાં રહે અને દોષિત સમાજમાં પોતાનું પુનર્વસન કરે. શરતો એટલી દમનકારી કે કડક ન હોવી જોઈએ કે દોષિત કાયમી માફી આપતા હુકમનો લાભ લઈ શકે નહીં. કાયમી માફી આપવા અથવા નકારવાના આદેશમાં પણ સંક્ષિપ્ત કારણો પણ આપવા જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.