Western Times News

Gujarati News

અનુસૂચિત જાતિ પર થતાં અત્યાચારો રોકવામાં રાજ્યો નિષ્ફળઃ સંસદીય પેનલ

નવી દિલ્હી, સંસદની એક સમિતિએ અનુસૂચિત જાતિ (અ.જા.) વિરુદ્ધ અત્યાચારના કેસોના અસરકારક નિરાકરણ માટે જરૂરી તંત્ર વિકસાવવામાં રાજ્ય સરકારોની નિષ્ફળતા પર ચિંતા વ્યક્ત કરી છે.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ પરની સંસદીય સ્થાયી સમિતિએ ભલામણ કરી હતી કે કેન્દ્ર સરકારે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૫ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ અંતર્ગત જરૂરી તંત્ર ગોઠવવા તથા તેને મજબૂત કરવા માટે રાજ્ય સરકારોનો સક્રિય સંપર્ક કરવો જોઈએ.

સમિતિએ બુધવારે લોકસભામાં રજૂ કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સ્તરે નાણાકીય અવરોધો ના હોવા છતાં, ઘણા રાજ્યો ઉપલબ્ધ ભંડોળનો ઉપયોગ કરી રહ્યાં નથી અથવા આ મુદ્દાઓને ઉકેલવા માટે જરૂરી પગલાં લઈ રહ્યાં નથી.અહેવાલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં વ્યાપક પડકારો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે અ.જા. માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને ‘મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ’ માટે નેશનલ એક્શન પ્લાન (નમસ્તે) જેવા મુખ્ય કાર્યક્રમો હેઠળ બહાર પાડવામાં આવેલા ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને તેમાં પણ ઘણી ભૂલો હતી.

સમિતિએ વધુ કડક મોનિટરિંગ તંત્ર વિકસાવવાની ભલામણ કરી છે, જેમાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિયમિત સમીક્ષાઓ અને ઓપરેશનલ ખામીઓને દૂર કરવા માટે રાજ્ય-સ્તરની વર્કશોપના આયોજનનો સમાવેશ થાય છે.

અહેવાલમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોને ભંડોળનો ઉપયોગ કરવામાં અને અમલીકરણના લક્ષ્યોને હાંસલ કરવામાં સતત પાછળ હોવાનો સંકેત આપવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.