Western Times News

Gujarati News

રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની સાથે મોદી અને યોગીની પ્રતિમાની ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા કરી

આ પ્રકારનું મંદિર બનાવવા પાછળનું કારણ મોહનલાલ ગુપ્તાના મકાનનું બાંધકામ ગેરકાયદેસર છે. જે તૂટે નહી  તે માટે મંદિર બનાવ્યુ છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. અધિકારીઓએ બાંધકામ અટકાવવા માટે નોટીસ આપી દીધી છે. 

(પ્રતિનિધિ) ભરૂચ, ૨૨ જાન્યુઆરીએ એક બાજુ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો હતો તે જ સમયે આ બાજુ ભરૂચમાં પણ મીની અયોધ્યા આકાર લઈ રહી હતી.

૨૨ જાન્યુઆરીના રોજ ભરૂચના અંકલેશ્વરના ગડખોલ ગામમાં કેટલાક રામ ભક્તોએ ઘરના ધાબા પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની સાથે યોગી અને મોદીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ સાથે આ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમમાં લગભગ ૨૦ હજાર લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભવ્ય કલશ યાત્રા પણ કાઢવામાં આવી હતી.

પોતાના ઘરના ધાબે રામ મંદિર સહિત યોગી અને મોદીની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મોહનલાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેમણે પહેલેથી જ પ્રતિજ્ઞા લીધી હતી કે જે દિવસે રામ મંદિર બનશે તે દિવસે તેઓ તેમને જે જગ્યાએ યોગ્ય લાગશે ત્યાં રામ મંદિર બનાવશે. જેથી તેમણે પોતાના ઘરે રામ મંદિર બનાવ્યું હતું.

નવાઈ ની વાત એ છે કે, રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન સહિત તેમણે યોગી અને મોદીની પ્રતિમાની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આવું કરવા પાછળનું કારણ તેમણે કહ્યું હતું કે, આ બે લોકો જ રામજીને મહેલમાં લાવ્યા હોવાથી તેઓએ મોદી અને યોગીની મૂર્તિઓ પણ સ્થાપિત કરી છે. પરંતુ આવું કરવા પાછળનું કારણ મોહનલાલના મકાનનું બાંધકામ ગેરકાયદેસર છે. જે તૂટે નહી  તે માટે મંદિર બનાવ્યુ છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. અધિકારીઓએ બાંધકામ અટકાવવા માટે નોટીસ આપી દીધી છે.

તેમની પત્ની કિરણજીએ કહ્યું હતું કે “ભગવાન રામને લાવનાર યોગી અને મોદી જ છે. તેથી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની સાથે અમે યોગી અને મોદીજીની પણ ભક્તિભાવથી પૂજા કરીએ છીએ. અને જો સરકાર અમને અયોધ્યામાં જમીનનો ટુકડો આપે તો ત્યાં અમે અમારા ખર્ચે ત્યાં યોગી અને મોદીની પ્રતિમા સ્થાપિત કરીશું અને તેની સાથે વૃદ્ધ મુલાકાતીઓ માટે બે રૂમ બનાવીશું જ્યાં લોકો મફતમાં રહી શકશે.

અન્ય એક રામ ભક્ત કુલદીપ પાંડે એ જણાવ્યું હતું કે, અમારે રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી. યોગી અને મોદીની જગ્યાએ બીજા કોઈ નેતા રામને લાવ્યા હોત તો અમે એમની પણ પ્રતિમાં સ્થાપિત કરતે પણ આ માત્ર યોગી અને મોદીએ કરી બતાવ્યું છે. બીજા બધા નેતાઓના સમયમાં પણ આજ કોર્ટ હતી પરંતુ બીજા કોઈ નેતાઓએ કોઈ રસ લીધો નહિ.

ગુજરાતમાં પણ યોગી જેવો મુખ્યમંત્રી હોવા જોઈએ અને યોગી મોડલ ગુજરાતમાં લાગુ થવું જોઈએ. યોગીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત છે, અસામાજિક તત્વો નિયંત્રણમાં છે, ગુજરાતમાં પણ આવું થવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે મોદી પછી યોગીજી નવા વડાપ્રધાન બને અને મોદીજીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.