પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારોઃ ૭થી વધુને ઈજા
અમદાવાદ,કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદનના પગલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપ યુવા મોરચા દ્વારા અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો યોજવામાં આવતાં પરિસ્થિતિ વણસી હતી અને ભાજપ તથા કોંગ્રેસના કાર્યકરોએ સામ-સામે પથ્થરમારો શરૂ કરતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે બળપ્રયોગ કર્યાે હોવા છતાં સામ-સામે હુમલા થતા આખરે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પથ્થરમારામાં હોમગાર્ડના જવાનો સહિત ૧૦થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.
આ ઉપરાંત પોલીસ વાહનોને પણ નુકસાન થયું છે. પોલીસે અંતે ધરપકડ કરવાનું શરૂ કરતાં નાસભાગ મચી ગઈ હતી. એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહાર ભાજપનાં કાર્યકરો ઉમટી પડ્યા હતાં.પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં વહેલી સવારે કેટલાંક લોકો ઘૂસી ગયા હતા અને કાર્યાલયમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ આ ટોળું નાસી ગયું હતું. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા. આ હુમલાના સંદર્ભમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આક્ષેપ કરતાં તેના પ્રત્યાઘાત પડ્યા હતાં. દરમિયાનમાં સાંજના સમયે યુવા ભાજપ મોરચાના કાર્યકરો પાલડી ખાતે આવેલાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં દેખાવો શરૂ કર્યા હતાં.
જોકે, કાર્યાલયની બહાર પોલીસનું ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો દેખાવો કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ પથ્થરમારો શરૂ કરતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે પ્રારંભમાં તોફાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ ગણતરીની નિમિનિટોમાં જ પરિસ્થિતિ વણસી ગઈ હતી જેના પગલે બંને પક્ષોના કાર્યકરોએ એકબીજા ઉપર પથ્થરમારો કરતાં કેટલાંક કાર્યકરોને ઈજા પહોંચી હતી. તોફાની તત્વોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યાે હતો.
જેમાં ૭ જેટલાં હોમગાર્ડસ અને પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને પક્ષના કાર્યકરોને પણ ઈજા થઈ હતી જેના પગલે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેરના ભાજપ પ્રમુખ અમિત શાહ તાત્કાલિક દોડી આવ્યા હતા અને તે એલીસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. બીજી બાજુ કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડા પણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં પહોંચ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદ ભવનમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સત્તાપક્ષ હિંદુ નથી. કારણ કે, હિંદુ ક્યારેય હિંસા કરે નહીં. હવે આ નિવેદનનો સમગ્ર રાજ્યમાં વિરોધ શરૂ થયો છે. જે અંતર્ગત રાજકોટ અને ગાંધીનગરમાં ભાજપે પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. સાથે ભાજપે શહેર ભાજપના નેતાઓ અને યુવા ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે રેલી પણ કાઢી હતી.