જેમનામાં અહંકાર આવ્યો તેમને 241 પર રોક્યાઃ સંઘનાં નેતા
RSS નેતા ઈન્દ્રેશકુમારે કહ્યું કે રામ બધાને ન્યાય આપે છે
(એજન્સી)ભોપાલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે થોડા દિવસો પહેલા આવેલા લોકસભા ચૂંટણીના પરિણામો પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તારૂઢ બનેલી ભાજપને અહંકારી અને વિપક્ષના ગઠબંધન “ઈન્ડિયા”ને રામ વિરોધી ગણાવ્યું છે. ઈન્દ્રેશકુમારે કહ્યું કે રામ બધાને ન્યાય આપે છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોને જ જોઈ લો.
જેમણે રામની ભક્તિ કરી પરંતુ તેમનામાં ધીરે-ધીરે અહંકાર આવ્યો તો તે પાર્ટી સૌથી મોટી પાર્ટી તો બની. જોકે તેને જે પૂર્ણ હક મળવો જોઈએ, જે શક્તિ મળવી જોઈતી હતી, તે ભગવાને તેમના અહંકારના કારણે રોકી દીધી.
ઈન્દ્રેશ કુમારે વધુમાં કહ્યું કે જેમણે રામનો વિરોધ કર્યો તેમને બિલકુલ શક્તિ જ ન આપી. આ પૈકીના કોઈને પણ શક્તિ ન આપી. બધા ભેગા થઈને પણ નંબર-૧ ન બની શક્યા. નંબર-૨ પર જ રહી ગયા. આ કારણે પ્રભુએ કરેલો ન્યાય વિચિત્ર નથી પરંતુ સત્ય છે. ખૂબ આનંદદાયક છે. આરએસએસના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે સ્પષ્ટપણે સત્તાધારી ભાજપ અને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન બંને પર નિશાન સાધ્યું.
જોકે તેમણે કોઈ પક્ષનું નામ લીધું ન હતું. કુમારે કહ્યું, લોકશાહીમાં રામરાજ્યના ‘વિધાન’ને જુઓ જે પક્ષ રામની પૂજા કરતો હતો પરંતુ ધીમે-ધીમે અહંકારી બની ગયો હતો તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો પરંતુ તેને વોટ અને સત્તા મળવી જોઈતી હતી તેને ભગવાને રોકી દીધી. તેમણે કહ્યું કે ભક્તિ કરવાવાળો પક્ષ અહંકારી બની ગયો તો ભગવાને તેને ૨૪૧ પર રોક્યો અને જેમને રામમાં વિશ્વાસ નથી, ભગવાને તેમને ૨૩૪ પર રોક્યા છે.
કુમાર જયપુર નજીક કનોટા ખાતે રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારંભને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું જેણે પણ લોકોને ત્રાસ આપ્યો, રામજીએ તેને કહ્યું કે પાંચ વર્ષ આરામ કરો, હવે પછી જોઈશું કે તેની સાથે શું કરવું. તેમણે કહ્યું કે રામે દરેકને ન્યાય આપ્યો છે અને આપતા રહેશે, રામ હંમેશા ન્યાયી હતા અને રહેશે.
કુમારે એમ પણ કહ્યું કે રામે લોકોની રક્ષા કરી અને રાવણનું પણ ભલું કર્યું તેમણે કહ્યું કે ભગવાન હનુમાને કહ્યું હતું કે ‘રામ સે બડા રામ કા નામ’ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન માટે ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયા પર ઘણા લોકો માને છે કે ભાજપ બહુમતના આંકડા સુધી ન પહોંચવાનું સૌથી મોટું કારણ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનું નિવેદન હોઈ શકે છે કે ભાજપને હવે RSSના સમર્થનની જરૂર નથી.
સંઘના મૂલ્યો અને કામ કરવાની રીત કંઈક અલગ છે. જે પણ સંઘ પ્રમુખનું પદ સંભાળે છે, તેમના નિર્ણયો અને નિવેદનો ખૂબ જ સમજદાર હોય છે. સંઘમાં ક્રોધના કારણે ત્વરિત પગલાં લેવાની પરંપરા ક્યારેય રહી નથી.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે થોડા દિવસો પહેલા આપેલા નિવેદન બાદ એ શંકા પ્રબળ બની છે કે ભાજપની આ સ્થિતિ માટે અંતે કોણ જવાબદાર છે.ઉલ્લેખનીય છે કે ૧૦ જૂને નાગપુરમાં આરએસએસના કાર્યકર્તા વિકાસ વર્ગ કાર્યક્રમનો સમાપન દિવસ હતો.