Western Times News

Gujarati News

અમદાવાદમાં વહેલી સવારે વરસાદનો તોફાની રાઉન્ડ : ઠેર ઠેર પાણી ભરાયા

File

નરોડામાં પોણા ત્રણ ઇંચ, મણિનગર,ગોતા, જોધપુરમાં બે ઇંચ વરસાદ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહૌલ જામ્યો હતો અને  કાળાં ડિબાંગ વાદળો ઘેરાતા અંધારપટ છવાયો હતો.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદ નગર વેજલપુર, બોપલ, સરખેજ, પાલડી, વાસણા, વાડજ, નવા વાડજ, અખબાર નગર, ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. જયારે પૂર્વ વિસ્તારમાં મણિનગર, ઓઢવ અને નરોડા માં ભારે વરસાદ થયો હતો. નરોડામાં લગભગ પોણા ત્રણ ઇંચ વરસાદ થયો હતો.

ભારે વરસાદ ના કારણે નાગરિકો ને ભારે હાલાકી થઈ  હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા મીઠખળી, અખબારનગર સહિતના અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં આજે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ  શહેરમાં   વિવિધ વિસ્તારોમાં  સવારથી વરસાદ શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં સતત હળવો મધ્યમ વરસાદ  જયારે કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સામાન્ય કરતા વધુ થયો હતો.

ગોતા  ચાંદલોડિયા જગતપુર વૈષ્ણોદેવી સોલા સાયન્સ સીટી સહિતના વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી હતી. ગોતાના કેટલાય વિસ્તારોમાં રોડ પર પુષ્કળ પાણી ભરાયા  ગોતા ટીપી 32 તરફ અતિ ભારે વરસાદ પડ્યો હતો. ચાંદલોડિયા સિલ્વરસ્ટાર વિસ્તારમાં ડ્રેનેજ બેક થવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણીના અતિ ફોર્સથી મેનહોલનું ઢાંકણું ખુલી ગયું હતું. ઢાંકણું પોતાની જગાએથી ખસી જતા મેનહોલ ખુલ્લું થતા મુસાફર સાથેની રિક્ષાનું આગલું ટાયર મેનહોલમાં ખાબક્યું હતું.

અન્ય વાહનોના ટાયર પણ ખુલ્લા મેનહોલમાં પછડાયા હતા.સ્થાનિકોએ વૃક્ષની ડાળી મૂકી મેનહોલ કવર કર્યું હતું.ચેનપુર થી જગતપુર તરફ જવાના રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે પણ ગટરના પાણી બેક માર્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ કર્મચારી રોડ ઉપર પાણીના નિકાલ કરતા જોવાના મળ્યા નહતા.

અમદાવાદ શહેરમાં સવારે 6 થી 11 વાગ્યા સુધી પૂર્વ ઝોન 27.58 મી.મી., પશ્ચિમમાં 27.90, ઉત્તર પશ્ચિમ માં 43.63, દક્ષિણ પશ્ચિમમાં 33.70, મધ્યઝોનમાં 26.00, ઉતરઝોનમાં 47.17 અને દક્ષિણઝોનમાં 34.52 મી.મી. વરસાદ થયો હતો. આ સમયગાળા દરમ્યાન નરોડામાં  પોણા ત્રણ ઇંચ, ગોતા માં બે ઇંચ, જોધપુર માં બે ઇંચ, મણિનગરમાં બે ઇંચ, સાયન્સસિટીમાં બે ઇંચ વરસાદ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.