રખડતાં કૂતરાંનું ખસીકરણ ટેન્ડર શરત પ્રમાણે થતું નથી
(એજન્સી)અમદાવાદ, શહેરમાં રખડતાં કૂતરાનો પ્રશ્ન હલ કરવા માટે મ્યુનિ. સત્તાધીશોએ કૂતરાંના ખસીકરણ માટે કોન્ટ્રાકટ પધરાવી દીધા પછી ખસીકરણની કામગીરી ટેન્ડરની શરત પ્રમાણે થતી નથી અને શરતભંગ બદલ જુદી જુદી એજન્સીઓ પાસેથી પેનલ્ટી પણ વસુલ કરવામાં આવી નથી તેવું જાણવા મળ્યું છે. Stray Dog Removal Tender
મ્યુનિ.ના કેટલાય ખાતામાં માનીતાઓની કે રાજકીય દબાણથી કહેવાતી સ્વૈચ્છીક સંસ્થાઓને કામો આપવામાં આવે છે. તેવી જ રીતે સીએનસીડી ખાતનાં ઢોર પુરવાનાં ડબામાં સફાઈની કામગીરી માટે કવોટેશનની કામો અપાયા હતા. નિયમ પ્રમાણે કવોટેશનથી છ મહીના સુધી કામ કરાવી શકાય અને ત્યારબાદ નવેસરથી કવોટેશન મંગાવવા પડે
પરંતુ સીએનસીડી ખાતામાં પાંચ પાંચ વાર મુદત વધારી અપાયાના દાખલા છે. તેનાથી આગળ વધીને સીએનસીડી ખાતામાં રખડતાં કૂતરાંના ખસીકરણમાં ચાલતી લાલીયાવાડીનો કિસ્સો રસપ્રદ છે.
કૂતરા ખસીકરણ માટે સને ર૦૧૮માં ટેન્ડર શરત પ્રમાણે દરેક એજન્સીએ પ્રથમ વર્ષે ત્રિમાસીક ર૭૦૦ અને બીજા વર્ષથી ત્રિમાસીક ર૪૦૦ કુતરાનું ખસીકરણ કરવું ફરજીયાત છે. પરંતુ એજન્સીઓએ ઓછા કૂતરાનાં ખસીકરણ કરતાં તેમની પાસેથી પેનલ્ટી પણ વસુલ કરવામાં આવી નથી.
એટલું જ નહી આ એજન્સીએ દ્વારા કૂતરાનાં ખસીકરણની કામગીરીનું મ્યુનિ. દ્વારા ક્રોસચેકીગની કોઈ વ્યવસ્થા જ ગોઠવી નથી અને એજન્સી જે બીલ મુકે તે ચુકવી દેવામાં આવે છે.