Western Times News

Gujarati News

સ્ટ્રીટ લાઈટ વિભાગમાં ઈમાનદારીનો અંધકારઃ બે વખત ડીસ્કવોલીફાય થયેલ કંપનીને કોન્ટ્રાકટ આપવા પેરવી

AI Image

હલકી ગુણવત્તાની પીવીસી પાઈપો વાપરવામાં આવતા કમિશનરે વિજીલન્સ તપાસ સોંપી ઃ સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓને બીજી વખત શો કોઝ નોટીસ અપાઈ

(દેવેન્દ્ર) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. લાઈટ વિભાગ દ્વારા સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સના ટેન્ડરમાં વિલંબ થતાં કમિશનર દ્વારા લાઈટ વિભાગના અધિકારીઓને કારણ દર્શક નોટીસ આપવામાં આવી હતી જે વાતને લગભગ ર મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી કોઈપણ પાર્ટીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો નથી.

ચોંકાવનારી બાબત એ છે કે બીજી વખત જાહેર કરેલ ટેન્ડરમાં એક પાર્ટી કવોલિફાઈ થયા બાદ પણ લાઈટ વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાકટ આપવામાં રસ દાખવ્યો નથી. જેના કારણે મ્યુનિ. કમિશનર દ્વારા ફરીથી કારણદર્શક નોટીસ (ખુલાસો) માંગવામાં આવ્યો છે. જયારે સ્ટ્રીટ લાઈટ માટે વપરાતી પીવીસી પાઈપલાઈન હલકી ગુણવત્તાની હોવાથી વિજીલન્સ તપાસ માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્શનો કોન્ટ્રાકટ સીટેલુમ કંપનીને આપવામાં આવ્યો હતો. જેના કોન્ટ્રાકટની મુદત પૂર્ણ થતા કંપનીએ આગળ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી. જયારે સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓએ અગમ્ય કારણસર ટેન્ડર જ જાહેર કર્યાં ન હતાં જેના કારણે સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાની ફરિયાદોમાં અસામાન્ય વધારો થયો હતો

તેથી કમિશનરે લાઈટ વિભાગના ત્રણ જેટલા અધિકારીઓને શો કોઝ નોટીસ આપી હતી. તે સમયે લાઈટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે સીગલ પાર્ટી આવી હોવાથી કોઈને ટેન્ડર આપવામાં આવ્યા નથી તેથી બીજી વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં ઈસ્માર્ટ એન્જીનીયરીંગ સોલ્યુશન પ્રા.લિ અને સ્નેલ એર્નજી, કોઈમ્બતુર એમ બે કંપનીઓએ ટેન્ડર ભર્યાં હતાં

જેમાં સ્નેલ એર્નજી. કોઈમ્બતુરની કંપની ડીસ્કવોલીફાય થઈ હતી તેથી ટેન્ડર સીધે સીધે ઈસ્માર્ટ એન્જીનીયરીંગને મળે હતું પરંતુ સ્ટ્રીટ લાઈટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કોઈપણ સંજોગોમાં સ્નેલ એનર્જીને જ કામ આપવા માંગતા હોય તેમ ટેન્ડરને મંજુરી આપી નથી અને ત્રીજી વખત ટેન્ડર જાહેર કર્યું હતું જેમાં આશ્ચર્યજનક રીતે બીજા ટેન્ડરમાં ડીસ્કવોલીફાય થયેલ સ્નેલ એર્નજીને કવોલિફાઈ કરવામાં આવી છે

જયારે પ્રથમ બે ટેન્ડરમાં કવોલિફાઈ થયેલ ઈસ્માર્ટ એનર્જીને ડીસ્કોવોલીફાય કરવામાં આવ્યું છે. જાણકાર સુત્રોનું માનીએ તો સ્નેલ એનર્જી પાસે સ્ટ્રીટ લાઈટને લગતા કોઈપણ કામ કરવાનો અનુભવ નથી તેમ છતાં આ પાર્ટીને ટેન્ડર આપવા માટે અધિકારીઓ થનગની રહયા છે.

મ્યુનિ. સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓ દ્વારા સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સના ટેન્ડરમાં અસહ્ય વિલંબ અને ગેરરીતિ આચરવા બદલ એક વખત શોકોઝ નોટીસ આપ્યા બાદ બીજી વખત પણ શોકોઝ નોટીસ આપી છે.

આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટના કામમાં ઉપયોગમાં લેવાતી પીવીસી પાઈપોની ગુણવત્તા પણ અત્યંત નબળી કક્ષાની હોવાની ફરિયાદ મળતા તે અંગે પણ વીજીલન્સ તપાસ માટે સુચના આપી છે. આ અંગે વિજીલન્સ વિભાગના ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયનો સંપર્ક કરતા તેમણે શોકોઝ નોટીસનો ઉલ્લેખ ન કરતા માત્ર સ્પષ્ટતા માંગી હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.