લાઈટ વિભાગમાં અંધકાર: અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન સ્ટ્રીટલાઈટની ૪,૭૮,૦૭૨ ફરિયાદ

AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ શહેરમાં હાલમાં સ્ટ્રીટલાઈટના ૨.૦૭,૧૬૩ પોલ, હાઈમાસ્ટ લાઈટના ૨૪૫ પોલ તથા બી.આર.ટી.એસ. કોરીડોરમાં ૬૦૦૦ એલ.ઈ.ડી. સ્ટીટ લાઈટના પોલ મળી કુલ ૨,૧૩,૪૦૮ જેટલા વિવિધ સ્ટ્રીટલાઈટના પોલ છે
છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૧૧૯.૪૮ કરોડના ખર્ચે કુલ ૩૫૧૯૨ સ્ટ્રીટલાઈટના પોલ નાખવામાં આવ્યાં હતાં તેની સામે છેલ્લા પાંચ વર્ષમાં ૪,૭૮,૦૭૨ જેટલી મોટી સંખ્યામાં સ્ટ્રીટલાઈટ બંધ હોવા બાબતની ઓનલાઈન ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવી છે. પરંતુ મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને શાસકપક્ષના પેટ નું પાણી પણ હલતું નથી તેવા આક્ષેપ કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટના મેઈન્ટેનન્સ માટે અગાઉ સીટેલુમ ઈન્ડીયા કું.ને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાકટની સમયમર્યાદા ૦૬ માસ પહેલા પૂર્ણ થઈ ગઈ છે. સીટેલુમ કંપની વધુ સમય માટે કામ કરવા તૈયાર પણ નથી . તેમ છતાં લાઇટ ડીર્પા દ્વારા નવું ટેન્ડર સમયસર બહાર પાડવાની કોઈ તજવીજ આવી નહતી.
જેને કારણે હાલ પેટા કોન્ટ્રાક્ટરો આ કામ કરી રહ્યા હોવાથી સ્ટ્રીટલાઇટની ફરિયાદોનો ભરાવો થઈ ગયો છે તેથી શહેરના મોટા ભાગના વિસ્તારો અંધકારમય થઈ ગયા છે. તેમજ ચોરી લુંટફાટ તથા અકસ્માતો થવાના કિસ્સા દિનપ્રતિદિન વધી રહયા છે લાઈટ ડીર્પાની બેદરકારીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહયા છે.
શહેરીજનો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૪,૭૮,૦૭૨ જેટલી સ્ટ્રીટલાઈટ અંગેની ઓનલાઈન ફરિયાદો કરી છે. અંદાજે દર માસની ૭૯૮૦ જેટલી ઓન લાઈન ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવી છે. તેમાં ઓફ લાઈન ફરિયાદો ઉમેરતાં કેટલી ફરિયાદો હશે? સ્ટ્રીટલાઈટના પોલનું સમયાંતરે નિયમિત સુપરવીઝન તથા સ્ટ્રીટલાઇટ બંધ હોવા બાબતની ફરિયાદોનો તાકીદે નિકાલ નહી કરાતાં મ્યુ.કોર્પોનું લાઈટ ડીર્પામાં અંધેર રાજ ચાલે છે
થોડા સમય પહેલાં તત્કાલીન મ્યુ.કમિ.દ્વારા તંત્રના અધિકારીઓને નિયમિત રાત્રી રાઉન્ડ લઈને સ્ટ્રીટલાઈટ બંધ હોવા બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા આદેશ આપવામાં આવ્યો હતો.પરંતુ “શેઠની શિખામણ ઝાંપા સુધી” જેવી માન્યતા ધરાવતું તંત્ર મ્યુ.કમિશનરના આદેશની પણ અવગણના કરી હોય તેમ જણાય છે સ્ટ્રીટલાઇટો બંધ હોવાના કારણે મ્યુ.કોર્પો તથા પ્રજા બનેં બાજુથી પીડાય છે
એક તરફ લાઈટના બીલનું ભારણ આવે છે બીજી તરફ અંધકારમય વાતાવરણમાં અકસ્માતો તથા ચોરી લુંટફાટ ના બનાવો વધી રહ્યા છે જેથી સ્ટ્રીટલાઈટ બંધ હોવા બાબતની સમસ્યાઓનો ત્વરીત નિકાલ આવે તે માટે યોગ્ય કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.