Western Times News

Gujarati News

કઠલાલમાં “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હિમોગ્લોબીન અને બી.એમ.આઈ ટેસ્ટ કરાયા

(પ્રતિનિધિ) નડિયાદ, બેટી બચાઓ બેટી પઢાઓના નેમ સાથે ગુજરાત સરકાર દ્વારા દીકરી જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને આઈ.સી.ડી.એસ વિભાગ અને મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે “કિશોરી કુશળ બનો”ની થીમ સાથે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આજરોજ જિલ્લા આઇ.સી.ડી.એસ કચેરી દ્વારા કિશોરી સેમિનાર અને કિશોરી મેળાનું શેઠ એમ. આર. હાઈ સ્કુલ,કઠલાલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ સખી-સહસખી અને કિશોરીઓને સશક્ત બનાવવા માટે શિક્ષણ, નોકરીની તકો, કૌશલ્ય વર્ધનના વિવિધ ક્ષેત્રો, કિશોરી – બાળકોના હક અને કાયદા વિશેની સમજ, ચાઈલ્ડ મેરેજ એક્ટ, પોકસો એક્ટ હેઠળ મફત કાનૂની સહાય તથા કાયદાઓની જાેગવાઈ, આઈ.ટી.આઈ અને કે.વી.કે.ના વિવિધ કોર્સ સહિતની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત શારીરિક રીતે તંદુરસ્ત બનવા પુર્ણા શક્તિના ફાયદા અને ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ – ૨૦૨૩ અંતર્ગત રાગી, બાજરા, જુવારમાંથી વિવિધ વાનગીઓ બનાવીને તેના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી.

આ અવસરે મહિલા અને બાળ વિકાસ વિભાગ; આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ; સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ; મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ગૃહ વિભાગ; જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ; શ્રમ અને રોજગાર વિભાગ; સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૯ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ દ્વારા કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી સાથે સશક્ત અને સુપોષિત બનવાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.

વધુમાં સ્વ બચાવ તાલીમના નિદર્શન સાથે કિશોરીઓને પોતાનું રક્ષણ જાતે કરવાની પ્રેરણા આપવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓના હિમોગ્લોબીન અને બી.એમ.આઈ. ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ કિશોરી મેળો ખેડા જિલ્લામાં તારીખ ૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન યોજવામાં આવી રહ્યો છે.

જે અંતર્ગત આગામી તારીખ ૦૬-૦૧-૨૦૨૩ ના રોજ મહેમદાવાદના તાલુકા પંચાયત નજીક ડોક્ટર આંબેડકર હોલ અને નડિયાદના પીજ રોડ પર આંબેડકર હોલ ખાતે, તારીખ ૦૯-૦૧-૨૦૨૩ના રોજ વસોની એ.જે. હાઇસ્કુલ ખાતે અને તારીખ ૧૦-૦૧-૨૦૨૩ના રોજ કપડવંજ ખાતે મેળો યોજવામાં આવશે.આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ડાભી, મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિના ચેરમેન શ્રી જશોદાબેન વાઘેલા,જિલ્લા પંચાયત સદસ્ય ઉષાબેન જીતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રોગ્રામ ઓફિસર મનિષાબેન બારોટ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, કિશોરીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.