Western Times News

Gujarati News

હાર્ટ એટેકની વારંવાર બની રહેલી ઘટના માટે તણાવ પણ જવાબદાર

૩૨ વર્ષની મહિલા અને ૪૦ વર્ષના યુવકનું કરૂણ મોત થયું-રાજકોટમાં હાર્ટ એટેકની એક દિવસમાં બે ઘટના

રાજકોટ,  રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોતની બે ઘટનાઓ બની છે. જેમાં એક ઘટનામાં કપડા ધોવાનું કામ કરી રહેલી મહિલા અને જમવા બેઠેલા યુવકનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું છે. શહેરની રામપીર ચોકડી અને મવડી ચોકડી વિસ્તારમાં બે ઘટનાઓ બની છે જેમાં યુવાન વયે આ પ્રકારની ઘટના સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી રહી છે.

બીજી તરફ ડૉક્ટર દ્વારા આ પ્રકારની વારંવાર બની રહેલી ઘટના માટે તણાવ પણ જવાબદાર હોવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. Stress is also responsible for the frequent occurrence of heart attacks

શહેરના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષના મહિલાનું કપડા ધોતા-ધોતા મોત થઈ ગયું છે. અચાનક મહિલા કપડા ધોતી વખતે ઢળી પડતા તેમની તપાસ કરાવતા માલુમ પડ્યું કે હાર્ટ એટેકથી તેમનું મોત થઈ ગયું છે. જ્યારે રામપીર ચોકડી પાસે જમતા-જમતા ૪૦ વર્ષના યુવકનું મોત થયાની ઘટના બની છે.

સતત આ પ્રકારની આંચકાજનક ઘટનાઓ વધતા લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પુરતી કાળજી ના રાખી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. વધુ પડતો શારીરિક શ્રમ કે માનસિક તાણના કિસ્સામાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું ડૉક્ટર માની રહ્યા છે.

યુવાનોમાં ક્રિકેટ રમતા-રમતા કે ડાન્સ-ગરબા કરતી વખતે વધતી હાર્ટ એટેકની ઘટનાઓ અંગે ડૉક્ટર જણાવે છે કે આ પ્રકારની ઘટનાઓ બનવા પાછળનું કારણ બદલાતી જતી લાઈફ સ્ટાઈલ અને આજના સમયમાં યુવાનો વધુ તણાવમાં રહેતા તેમની સાથે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેઓ હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે.

આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હૃદયના ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવતી હોય છે કે અચાનક એક દિવસમાં વધુ પડતો શારીરિક શ્રમ કરવાથી હૃદય પર તેની અસર પડતી હોય છે, કારણ કે એક જ સમયમાં વધુ કામ થવાથી હૃદયની કાર્યક્ષમતા પર તેની સીધી અસર થતી હોય છે. આજ કારણે શારીરિક શ્રમ રોજની સરખામણીમાં વધુ થયો હોય ત્યારે ખાસ કાળજી રાખવાની જરુર છે.

એવું બનતું હોય છે યુવાનો ૫-૧૦ વર્ષથી ક્રિકેટ રમ્યા ના હોય અને અચાનક મેદાનમાં ઉતરીને ૩-૪ કલાક દોડાદોડી કરે ત્યારે હૃદય પર તેની અસર પડતી હોય છે. આવું જ જીમમાં એકાએક વધુ કસરત કરવાથી કે ગરબા-ડાન્સમાં વધુ શ્રમ પડવાથી આમ થતું હોય છે.

ઘણાં કિસ્સામાં સતત બહારનો કે વધારે તળેલો ખોરાક સતત ખાવાથી સ્વાસ્થ્ય પર તેની અસર પડતી હોય છે. ઊંઘી અધુરી રહેવાના કિસ્સામાં પણ આ પ્રકારની ઘટનાઓ બની શકે છે. માટે ડૉક્ટર આરોગ્યની સમયાંતરે તપાસ કરાવવાની સલાહ આપે છે અને સ્વસ્થ રહેવા માટે લાઈફસ્ટાઈલ સુધારવા માટે જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.