HSRP નંબર પ્લેટ નહિં હોય તો કડક કાર્યવાહી થશે !!
રાજકોટ: તાજેતરમાં જ અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર તથ્ય પ્રજ્ઞેશ પટેલે સર્જેલા જેગુઆર એકસીડેન્ટ કાંડમાં તે જે કાર ફેરવતો હતો તેની નંબર પ્લેટ સાથે ચેડા કરાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
તે નિશ્ર્ચિત થયા બાદ હવે રાજય પોલીસે તમામ કારમાં હાઈસિકયોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજીયાત હોવા છતાં જે કારમાં આ પ્રકારની પ્લેટ હજુ સુધી લાગી નથી તેની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
રાજય પોલીસે આ માટે આરટીઓ પાસેથી જે કાર કે ખોટા વાહનો જે ગુજરાતમાં રજીસ્ટર થયા હોય અને તેમ છતા તેણે HSRP (નંબર પ્લેટ) મેળવી નથી. તેની યાદી જીલ્લાવાઈઝ મંગાવી છે તે મળ્યા બાદ આ વાહનોને શોધી કાઢીને તેમના માલીક સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ કરીને ધનવાનો નબીરાઓ માર્ગોને રમતનું મેદાન સમજીને વાહનો ચલાવે છે અને દરેકને જે તે સમયે ઝડપવા ખૂબજ અઘરુ છે. પરંતુ જે રીતે તેઓ આ પ્રકારના ટ્રાફિક ભંગમાં સીસીટીવીમાં ઝડપાઈ જાય તો તે તુર્તજ રેકોર્ડ થઈ જશે અને આ પ્રકારના વાહનચાલકોને ઝડપવામાં પણ સરળતા રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં જ ફરતી અને અન્ય રાજયોની નંબર પ્લેટ ધરાવતી વૈભવી કાર પણ શોધી કઢાશે
અને શા માટે તેઓએ ગુજરાતનું રજીસ્ટ્રેશન મેળવ્યું નથી તે અંગે તેઓને કારણ આપવા જણાવશે. ખાસ કરીને દિલ્હી-હરિયાણાની નંબર પ્લેટ ધરાવતી અત્યંત લકઝરી કાર જે વિદેશી દૂતાવાસો દ્વારા ચોકકસ સમય ઉપયોગ બાદ વેચી દેવામાં આવી છે તેનું એક મોટુ રેકેટ છે.
આ કાર પરની ડયુટી છુપાવવા માટે તે જે તે રાજયની નંબર પ્લેટ પર જ ચલાવાય છે. દેશભરમાં આ પ્રકારે એચએસઆરપી નંબર પ્લેટ ફરજીયાત છે છતાં એકલા ગુજરાતમાં પાંચ લાખ વાહનોમાં તે હજુ લગાવાઈ નથી.