Western Times News

Gujarati News

આ મંદિરોમાં 1લી જાન્યુઆરીથી દર્શનાર્થીઓ માટે ચુસ્ત ડ્રેસ કોડ લાગુ થશે

ગોવાના મંદિરોમાં શોભે તેવા વસ્ત્રો પહેરીને જ પ્રવેશ મળશે

(એજન્સી)પણજી, મંદિરોમાં દર્શન માટે આવતી વખતે શ્રદ્ધાળુઓએ કેવા વસ્ત્રો પહેરવા તે અંગે આમ તો મંદિરો ઘણા ઉદાર છે. પરંતુ કેટલીક જગ્યાએ દર્શનાર્થીઓના મોડર્ન પહેરવેશના કારણે વિવાદ થાય છે.

ગોવાના મંદિરોમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી દર્શનાર્થીઓ માટે ચુસ્ત ડ્રેસ કોડ લાગુ થશે. મંદિરોના મેનેજમેન્ટનું કહેવું છે કે મંદિર એ તમારી ફેશન દેખાડવા માટેની જગ્યા નથી. અહીં ઘણા ભાવિકો મોડર્ન વસ્ત્રો પહેરીને આવે છે જેમાં ગરિમા જળવાતી નથી. તેથી આવા વસ્ત્રો સાથે કોઈને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ગોવાના શ્રી રામનાથ દેવસ્થાન, પોંડાએ જણાવ્યું છે કે મંદિરની પવિત્રતા અને સન્માન જળવાય તે માટે ૧ જાન્યુઆરીથી તમામ વિઝિટર માટે ચુસ્ત ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે.

તેથી શોર્ટ્‌સ, મિની સ્કર્ટ, મિડી, સ્લીવલેસ ટોપ્સ, લો-રાઈઝ જિન્સ અને ટૂંકા ટી-શર્ટ પહેરીને લોકોને મંદિરમાં પ્રવેશવા નહીં દેવાય. ગોવા એ દેશનું વિખ્યાત ટુરિસ્ટ સ્પોટ છે અને ઘણા પ્રવાસીઓ ટૂંકા કપડા પહેરીને મંદિરોમાં દર્શન માટે આવતા હોય છે. ગોવાના જાણીતા શ્રી મંગેશ દેવસ્થાને પણ જાહેરાત કરી છે કે નવા વર્ષથી એકદમ ચુસ્ત ડ્રેસ કોડ લાગુ થશે.

તેથી મંદિરોમાં છાજે તેવા વસ્ત્રો પહેરીને જ ભાવિકોએ દર્શન કરવા આવવું. જે લોકો મંદિર માટે અયોગ્ય વસ્ત્રો પહેરીને આવ્યા હશે તેમને મંદિરની કમિટી દ્વારા લુંગી અથવા પહેરણ આપવામાં આવશે જેથી છાતી, પેટ અને પગ ઢંકાઈ શકે. તેથી જે શ્રદ્ધાળુઓ આટલે દૂર દર્શન માટે આવ્યા હશે તેમણે ધક્કો ખાવો નહીં પડે.

શ્રી રામનાથ દેવસ્થાન, પોંડાના પ્રમુખે જણાવ્યું કે પહેલી જાન્યુઆરીથી અમે ડ્રેસ કોડ લાગુ કરવાના છીએ. અમે આ માટે એડવાઈઝરી બહાર પાડી દીધી છે અને મંદિરના પરિસરમાં તેનું બોર્ડ પણ લગાવી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.