ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી
ઇસ્કોનબ્રિજ અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સફાળી જાગી
અમદાવાદ, અમદાવાદના ઇતિહાસનો સૌથી મોટો અકસ્માત ઇસ્કોનબ્રિજ પર થયો છે, જેમાં પુરઝડપે આવી રહેલી જેગુઆર કારે સંખ્યાબંધ લોકોને અડફેટમાં લેતાં કોન્સ્ટેબલ, હોમગાર્ડના જવાન સહિત નવ લોકોનાં દર્દનાક મોત થયાં, જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ ઘટના બાદ અક્સમાતની ઘટનાને અંજામ આપનાર નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. પોલીસ તથ્ય પટેલને સજા મળે તે માટે મજબૂત કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે ટ્રાફિક પોલીસ પણ એક્શન મોડ પર આવી ગઇ છે. ગુરુવારથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. જાે કોઈએ ટ્રાફિકના નિયમોનો ભગ કર્યાે તો પોલીસ દંડ વસૂલીને કાયદાનું ભાન કરાવશે.
રોંગ સાઈડમાં આવો છો, હેલ્મેટ નથી પહેરી, સીટ બેલ્ટ નથી બાંધ્યો, પૂરઝડપે વાહન ચલાવો છો, બ્લેક ફિલ્મ છે તો સુધરી જજાે, નહીં તો પોલીસ તમારી પાસેથી તગડો દંડ વસૂલીને કાયદાનું ભાન કરાવશે. સામાન્ય રીતે વાહનચાલકોને નિયમોનું ભાન કરાવવા માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે.
ગત મોડી રાતે ઇસ્કોનબ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસમાત થયો હતો, જેમાં કેટલાક રાહદારીઓ તેમજ પોલીસ બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે કર્ણાવતી કલબ તરફથી એક જેગુઆર કારનો ચાલક પુરઝડપે આવ્યો હતો અને લોકોના ટોળાને અડફેટે લીધું હતું. અકસ્માતની આ ઘટનામાં નવ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત બાદ ગુરુવાર સવારથી ટ્રાફિક પોલીસ સફાળી જાગી હતી અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું હતું. ગુરુવારે એક દંપતી એલિસબ્રિજ સર્કલ નજીકથી રોંગ સાઈડમાં કાર લઇને જતું હતું ત્યારે ટ્રાફિક પોલીસે તેમને રોક્યાં હતાં.
થોડા સમય સુધી દંપતી અને પોલીસ વચ્ચે વાટાઘાટો ચાલ્યા બાદ ત્રણ હજાર રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું હતું. જાેકે મહિલા પ્રેગનન્ટ હોવાથી પોલીસે થોડી માનવતા દાખવી હતી અને હવેથી રોંગ સાઈડમાં નહીં નીકળવા સૂચવ્યું હતું.
આ સિવાય સંખ્યાબંધ લોકો પાસેથી પોલીસે દંડ વસૂલ્યો છે, જ્યારે કેટલાક નબીરાઓને કાયદાનું ભાન પણ કરાવ્યું છે. પોલીસે કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. આ મામલે ટ્રાફિકનાં ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું છે કે અકસ્માત બાદ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવ્યું છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને દંડ કરવામાં આવશે.
શહેરનો સૌથી પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ ગણવામાં આવે છે, જ્યાં નબીરાઓ વાહનો પર સ્ટંટ કરતા અવારનવાર નજરે ચઢે છે. હવે જાે નબીરાઓ સ્ટંટ કરતાં ઝડપાશે તો તરત જ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને ઊઠકબેઠક કરાવવામાં આવશે.