જંબુસર નગરપાલિકા દ્વારા વેરા વસુલીમાં કડકાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલી મિલકતો જેના વેરા ઘણા સમયથી ભરપાઈ કરવામાં આવ્યા નથી તથા પાલિકા દ્વારા વખતો વખત વેરા ચૂકતે કરવા મિલ્કત ધારકોને જાણ કરવામાં આવી હોવા છતાં વેરા ભરપાઈ ના થતા પાલીકાએ કડકાઈનો ઉપયોગ કરી મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી હાથધરી છે. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ૧૭,૦૦૦ મિલ્કતો આવેલી છે.
જેમના આઠ કરોડ ઉપરાંત ટેક્સ મિલ્કત ધારકોએ ભરવાનો થતો હોય જેમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ નો અત્યાર સુધીનો ૮૫ લાખ ઉપરાંત ટેક્સની આવક થવા પામી છે.જે ઘણી ઓછી હોય પાલિકા દ્વારા બાકી મિલ્કત ધારકોને વખતો વખત વેરા ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું છે તેમ છતાંય વેરા ભરપાઈ ન કરતા મિલ્કત ધારકોની મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજરોજ આઝાદ હોટલ સામે જગાજી મહારાજ તથા સિવણ ક્લાસનો હાઉસ ટેક્સ બાકી પડતો હોય વડી કચેરીની સૂચના અનુસંધાન વસુલાત કર્મચારી લકધીરભાઈ જાંબુ સહિતની ટીમે સદર મિલ્કતને સીલ કરવામાં આવી હતી.આ સાથે કુલ ૧૨ મિલ્કતો સીલ કરાતા વેરા નહિ ભરતા બાકી મિલ્કત ધારકોમાં ફફડાટ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બાકી વેરા મિલ્કત ધારકો સામે પાલિકા એ કડકાઈ દાખવી મિલ્કતો સીલ કરી રહી છે પંરતુ પાલિકા દ્વારા શહેરીજનો ને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે.