બાયડના સાઠંબા નજીક ડમ્પરે પાછળથી બાઈકને ટક્કર મારતાં વિદ્યાર્થિનીનું મોત
(પ્રતિનિધિ) બાયડ, સાઠંબા નજીક ખેરીયા કંપા પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ સામે બાઈક પર સવાર કાકા ભત્રીજીને ડંપરે પાછળથી હડફેટે લેતાં બાઈક પર સવાર વિદ્યાર્થીની નીચે પડી જતાં ડમ્પરના વ્હીલ નીચે માથું આવી જતાં વિદ્યાર્થીનીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજવા પામ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબા નજીક અજબપુરા ગામે રહેતા લાલસિંહ તખતસિંહ ચૌહાણને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પલકબેન લાલસિંહના પરિવારમાં બીજું સંતાન હતી. જે સાઠંબા હાઇસ્કુલમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી હતી. નિત્યક્રમ મુજબ મંગળવારે સવારે પણ પલકબેન તેમના કાકા ધીરજભાઈ સાથે બાઈક પર બેસી ખેરિયાકંપા થઈ સાઠંબા હાઈસ્કૂલે આવવા નિકળ્યાં હતાં.
ખેરીયા કંપા નજીક આવેલા ભારત પેટ્રોલ પંપ આગળ બાઈક નંબર જી.જે. ૯.એન ૬૬૨૮. ને ઓવરલોડ વજન ભરેલી માતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલા ડંપર નં. જી. જે. ૧૭ યુ. યુ. ૮૦૭૩.ના ચાલકે બાઇકને પાછળથી હડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં પલકબેન નીચે પડી જતાં ડંપરનું વ્હીલ પલકબેનના માથા પર ફરી વળતાં ખુડદો બોલાવી દીધો હતો. પલકબેનનું સ્થળ પર જ મોત નીપજવા પામ્યું હતું. વિદ્યાર્થીનીનું અકસ્માતે મોત નીપજ્યાના સમાચાર પંથકમાં પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
અકસ્માતની જાણ થતાં સાઠંબા પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત સર્જનાર ડંપરને કબજે લઈ પલકબેનના કાકા ધીરજભાઈની ફરિયાદના આધારે ડંપરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.