Western Times News

Gujarati News

રાજયમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPC સાત દિવસીય સમર કેમ્પ-૨૦૨૩નું આયોજન કરાયું 

રાજ્યમાં ૨૧ મી એપ્રિલ થી શરૂ SPC સમર કેમ્પમાં રાજ્યના ૪૮૭ એકમમાં ૧૫૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો

રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે રાજ્યભરમાં ૨૧ મી એપ્રિલ થી સાત દિવસીય સ્ટુડન્ટ કેડેટ SPC સમર કેમ્પ-૨૦૨૩  યોજાયો છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ૪૮૭ જેટલા એકમમાં યોજાયેલ સાત દિવસીય SPC સમર કેમ્પમાં  કુલ ૧૫૮૮૧ વિદ્યાર્થીઓએ ભાગ લઇને તાલીમનો લાભ મેળવ્યો છે. જેમાં ૮૧૬૫ વિદ્યાર્થીઓ અને ૭૭૧૬ જેટલી વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ શહેર / જિલ્લા ખાતે યોજાયેલ આ સમર કેમ્પમાં ભાગ લઇ રહેલા સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPC ને ૭ દિવસ માટે કેમ્પમાં બોલાવવામાં આવે છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ આ કેમ્પમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અને  તાલીમ અંગેની વિગતો આપતા જણાવ્યું કે,  આ કેમ્પમાં વિદ્યાર્થીઓને મૌન, આનાપાન-ધ્યાન, સંગીતના તાલે પીટી, ઝુંબા ડાન્સ, એરોબીક એકસરસાઇઝ, યુનિફોર્મમાં પરેડ કરાવવામાં આવે છે.

એસ.પી.સી. યોજના સંદર્ભે સમજણ અને માહિતીનું આદન પ્રદાન થાય છે. બાળ કવિતા, અભિનય, ગીત, જીવનના અનુભવ વિગેરે ની અભિવ્યકિત તેમજ સાંજના સમયે પી.ટી. ગણવેશમાં પરંપરાગત રમતો જેવી કે, સાતોલીયુ, ખો-ખો, કબડ્ડી, ધમાલ ધોકો, વોલીબોલ, ફુટબોલ વિગેરે જેવી સ્થાનિક રમતો રમાડવામાં આવે છે. રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવવામાં આવે છે.

સમર કેમ્પમાં સમાજના વિશિષ્ટ વ્યકિત જેવી કે સાહિત્યકાર, ઉદ્યોગપતિ, ચિત્રકાર, ર્ડોકટર, ઇજનેર, સરકારી અધિકારી, લોકપ્રતિનિધિ વગેરે મહાનુભાવોશ્રીને બોલાવી તેમની સાથે એસ.પી.સી. નો વાર્તાલાપ કરવામાં આવે છે.

આ કેમ્પમાં સરપંચ, પોલીસ અધિકારી, મામલતદાર, કલેકટર, પત્રકાર, સામાજીક કાર્યકર્તા, રમતવીર, બાળ સુરક્ષા અધિકારી વિગેરેને પણ બોલાવી તેમની સાથે એસ.પી.સી.નો વાર્તાલાપ કરાવામાં આવે છે.

કેમ્પમાં બાળકોને પોતાના વિચારો વ્યકત કરવા અને વિરોધાભાસી વિચારો પર મોકળાશથી અભિવ્યકત કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. જેમાં અલગ અલગ સામાજીક વિષયોનો સમાવેશ થાય છે.

સમર કેમ્પમાં બાળકોની અંદર પડેલ વિચારો અને લાગણીઓ વ્યકત કરવા નાટકની થીમનું પણ આયોજન કરવામાં આવે છે.

કેમ્પ દરમ્યાન કેડેટને ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, સરકભારી મંડળી, સામુહિક આરોગ્ય કેન્દ્ર, દુધની ડેરી વિગેરે સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે.

કેડેટને ગામના ખેતર, ચેક ડેમ, તળાવ, વૃક્ષારોપણ, મીયાવાંકી જંગલની પણ મુલાકાત કરાવવામાં આવે છે અને આ માટેની સરકારી યોજનાની માહીતી પણ આપવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે,  રાજયમાં પોલીસ અને પ્રજા વચ્ચે રચનાત્મક કાર્યો દ્વારા સેતુ તરીકે પ્રજાલક્ષી કાર્યો કરવા માટે સંસ્થાઓ, ગૃહ ઉદ્યોગો દ્વારા જન ભાગીદારીથી કાર્યક્રમો હાથ ધરાય, સમુદાયના કલ્યાણ માટે પ્રજા અને પોલીસ ખાતા વચ્ચે સીધો સંપર્ક થાય, નાગરિક સંરક્ષણ જાગૃતિના નિયમો, કાયદા, અધિકારો અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે

તેમજ પ્રજામાં અને પોલીસ તંત્રમાં કામગીરીની અસરકારકતા વધે તે હેતુથી રાજયકક્ષાએ એક તથા શહેર / જિલ્લા કક્ષાએ સુરક્ષા સેતુ સોસાયટીની સ્થાપના કરવામાં આવેલી છે. સુરક્ષા સેતુ સોસાયટીના હેતુઓ સિધ્ધ કરવા માટે રાજય કક્ષા, કમિશ્નરેટ કક્ષા અને જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્મો હાથ ધરવામાં આવે છે.

શાળાના વિદ્યાર્થીઓમાં કાયદાના પાલન પ્રત્યે સમજ કેળવાય અને તેઓમાં આદર્શ નાગરિક બનવાની ભાવના પેદા થાય તેવા આશયથી ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ કેડેટ SPC સમર કેમ્પ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.