કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મંજૂર થવાનો દર ઘટશે
નવી દિલ્હી, ભારતીય સ્ટુડન્ટ માટે સૌથી ફેવરિટ દેશો પૈકી કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. આ બે દેશોમાં આગામી સમયમાં સ્ટુડન્ટ વિઝા મંજૂર થવાનો દર ઘટે અને વિઝા રિજેક્શનનો દર વધે તેવી શક્યતા છે.
કેનેડા અને ઓસ્ટ્રેલિયા જે પ્રકારની નીતિ અપનાવી રહ્યા છે તેમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા પર મર્યાદા લાગુ થશે. ખાસ કરીને કેનેડાએ વિદેશી સ્ટુડન્ટની સંખ્યા પર લિમિટ મૂકી છે. તેના કારણે સંભવિત વિદ્યાર્થીઓ અહીં અરજી કરવાનું ટાળે છે.
કેનેડાએ જે નિર્ણય લીધો તેની મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે કારણ કે ભારતીય સ્ટુડન્ટ્સમાં કેનેડા એક ફેવરિટ દેશ છે. અત્યાર સુધી કેનેડા ઓપન પોલિસી માટે જાણીતું હતું. પરંતુ હવે મકાનોની અછત અને વધતી મોંઘવારીના કારણે કેનેડાએ એક નેગેટિવ નિર્ણય લીધો છે. કેનેડા ઈમિગ્રેશન એન્ટ સિટિઝનશિપના અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૨૪માં સ્ટડી પરમિટમાં ૩૪ ટકા ઘટાડો શક્ય છે.
તેના કારણે કદાચ કેનેડા ફોરેન એજ્યુકેશન માટે પસંદગીના દેશોના લિસ્ટમાંથી જ નીકળી જશે. આ કારણથી ઘણા ભારતીયો હવે જર્મની, ફ્રાન્સ, આયર્લેન્ડ, દુબઈ, માલ્ટા, સ્પેન, સિંગાપોર અને ન્યૂઝિલેન્ડ જવાનું પસંદ કરી શકે છે. તેમાં પણ જર્મની અને ફ્રાન્સે તો ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સ્પેશિયલ જાહેરાતો પણ કરી છે.
યુવાનો માત્ર વિદેશમાં એજ્યુકેશન નહીં પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટની શક્યતા, રહેવા-જમવાનો ખર્ચ અને હેલ્થકેર સિસ્ટમ પણ ધ્યાનમાં રાખે છે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીની વાત કરીએ તો અહીં એડમિશન માટે અરજીઓની સંખ્યા વધશે, પરંતુ રિજેક્શન રેશિયો પણ ઊંચો રહેશે.
ઓસ્ટ્રેલિયામાં વિદેશી સ્ટુડન્ટ માટે વિઝા એપ્રૂવલ રેટમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ૧૫ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાની ૯૦ ટકા અરજીઓ એપ્રૂવ થઈ જતી હતી, પરંતુ હવે ૮૦ ટકા અરજી માંડ મંજૂર થાય છે. જ્યારે ૨૦ ટકા અરજી રિજેક્ટ કરી દેવાય છે.
વોકેશનલ કોર્સમાં તો ૩૦ ટકા અરજીઓને નકારી કાઢવામાં આવે છે. ૨૦૨૨-૨૩ની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૩-૨૪માં સ્ટુડન્ટ વિઝા મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૦ હજાર ઘટી ગઈ હતી. કેનેડાએ જેવી રીતે હાઉસિંગના ઉંચા ભાવ સામે મોરચો માંડ્યો છે તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાએ બનાવટી સ્ટુડન્ટ સામે લડાઈ આદરી છે.
ઓસ્ટ્રેલિયાને જેન્યુઈન સ્ટુડન્ટની જરૂર છે જેઓ ખરેખર કંઈક શીખવા માટે આવ્યા હોય. ભણવાના નામે ઓસ્ટ્રેલિયામાં જોબ કરવા આવતા સ્ટુડન્ટની કોઈ જરૂર નથી. ઓસ્ટ્રેલિયામાં કુલ ૫.૧૦ લાખ માઈગ્રન્ટ એક વર્ષમાં આવ્યા હતા જેમાંથી ૨.૭૦ લાખ તો સ્ટુડન્ટ હતા.
તેને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ બધી ચીજો મોંઘી થઈ રહી છે. કેનેડા કે ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વિઝા અરજી રિજેક્ટ ન થાય તે માટે વિદ્યાર્થીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલી વાત કે તેમની અરજી એકદમ પારદર્શન અને જેન્યુઈન હોવી જોઈએ.
તમામ રેગ્યુલેશનનું પાલન કરો, તમારી પાસે પૂરતી નાણાકીય સ્થિતિ હોવી જરૂરી છે તે વાત સમજો. આ ઉપરાંત યુનિવર્સિટી અથવા વિઝા ઓથોરિટીને ક્યારેય ઉલ્લુ બનાવવાની કોશિશ ન કરો. આ ઉપરાંત તમે જર્મની, સ્પેન, યુકે, ફ્રાન્સ અથવા ન્યૂઝિલેન્ડ જેવા વિકલ્પો પણ અજમાવી શકો છે.SS1MS