શિક્ષણ વિભાગની બેવડી નીતીથી વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ, આગામી માર્ચ માસમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આવી રહી છે, જેના કારણે શાળાઓમાં પરિણામ ઊંચું આવે તેવા આયોજન થઈ રહ્યા છે. બીજી તરફ મોટાભાગની શાળાઓમાં શિક્ષકો જ નથી. પ્રવાસી શિક્ષકો સામે સરકાર જ્ઞાન સહાયક યોજના લાવી પણ મોટાભાગની શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકો હાજર જ થયા નથી.
તેવામાં પ્રવાસી શિક્ષકોની મુદત આજથી પૂર્ણ થતા પ્રવાસી શિક્ષકોને કાઢી મૂકવા આદેશ થયા છે, ત્યારે શાળાઓમાં શિક્ષકો જ નહીં હોય તો વિદ્યાર્થીઓને ભણાવશે કોણ અને પરિણામ કેવી રીતે ઊંચું આવશે તેના પર સવાલો ઉઠ્યા છે. શિક્ષણ વિભાગની આ બેવડી નીતિથી વિદ્યાર્થીઓ પરેશાન છે.
રાજ્ય સરકારે રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી હતી. જેમાં ટેટ ટાટની દ્વી સ્તરીય પરીક્ષા પદ્ધતિ દ્વારા જ્ઞાન સહાયકોની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની હતી. બીજી બાજુ પ્રવાસી શિક્ષકોની યોજના રદ કરવાની હતી પણ જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતીમાં વિલંબ થયો.
જેના કારણે ઘણી શાળાઓમાં શિક્ષકો ન હોવાથી સ્કૂલ સંચાલકોની રજૂઆતના પગલે પ્રવાસી શિક્ષકોની યોજના છ મહિનામાં લંબાવવામાં આવી. હવે ૨૪ જાન્યુઆરીથી પ્રવાસી શિક્ષકોની આ મુદત પૂરી થઈ રહી છે. બીજી બાજુ હજુ પણ જ્ઞાન સહાયક શિક્ષકોના ઠેકાણા નથી. આગામી માર્ચ માસમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની ગુજરાત બોર્ડની પરીક્ષા આવી રહી છે.
ત્યારે મોટાભાગની શાળાઓમાં શિક્ષકો નથી. મોટાભાગની શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો જ નથી. ત્યારે વિદ્યાર્થીઓને આ ગુરુઓ વગર જ્ઞાન કેવી રીતે મળશે તે એક સૌથી મોટી સમસ્યા છે.
એક તરફ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઇ ૩૦ ટકાથી ઓછું પરિણામ લાવતી શાળાઓનું પરિણામ સુધારવા બેઠકો જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા શરૂ થઈ છે, પણ જો શાળાઓમાં શિક્ષકો જ નહીં હોય તો વિદ્યાર્થીઓને ભણાવશે કોણ અને કેવી રીતે વિદ્યાર્થીઓ અને શાળાઓનું પરિણામ ઉચું આવશે તે યક્ષ પ્રશ્ન છે. શિક્ષણ વિભાગની આ બેવડી નીતિના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અને શાળાઓના સંચાલકોમાં રોષ ફેલાયો છે.SS1MS