ધોરણ- ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થાય તે પહેલાં વિદ્યાર્થીઓને એક ગુણની લ્હાણી

ગાંધીનગર, ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થાય તે પહેલા ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને એક- એક ગુણની લ્હાણી થઈ ગઈ છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા લેવામાં આવ્યા બાદ મુખ્ય ચાર વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. જેમાં ગણિતમાં ગુજરાતી માધ્યમના અને કેમિસ્ટ્રીમાં હિન્દી માધ્યમના એક – એક પ્રશ્નમાં ભૂલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને ગુણ આપવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત કેમિસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના પેપરમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોવાથી બંનેમાંથી ગમે તે વિકલ્પ લખ્યો હશે ગુણ અપાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કીને લઈને ઉમેદવારોને રજૂઆત હોય તો ૨૪ માર્ચ સુધી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા ૨૭ ફેબ્›આરીથી ૧૦ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી.
પરીક્ષા પૂર્ણ થયા બાદ હાલમાં ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સના મુખ્ય ચાર વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે.
જેમાં કેમિસ્ટ્રી, ફિઝીક્સ, મેથ્સ અને બાયોલોજી વિષયની ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આન્સર કીને લઈને કોઈ રજૂઆત હોય તો ૨૪ માર્ચ સુધીમાં બોર્ડને ઈ-મેઈલ દ્વારા રજૂઆત મોકલવાની રહેશે.
શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆત માટે પ્રશ્નદીઠ રૂ. ૫૦૦નું ચલણ ભરી જમા કરાવવાનું રહેશે. ઈ-મેઈલ સાથે ચલણની કોપી જોડવાની રહેશે, તે વગરની રજૂઆતો ધ્યાને લેવાશે નહીં.
રજૂઆતોની નિષ્ણાંતો પાસે ચકાસણી કરાવવામાં આવશે. જેમાં જો રજૂઆત સાચી ઠરશે તો ઉમેદવારોને પ્રશ્ન દીઠ ભરેલા પૈસા પરત કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કીની વિગતો જોઈએ તો, ધોરણ-૧૨ સાયન્સમાં ગણિત વિષયમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થાય તે પહેલા જ એક ગુણ મળી ગયો છે.
ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટેના ગણિતના પેપરમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાયું હતું. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કીમાં આ પ્રશ્ન માટે તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનો નિર્ણય કર્યાે છે.
જ્યારે હિન્દી અને અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રમાં આ પ્રશ્નમાં ભૂલ ન હોવાના લીધે તેમને ગુણ મળશે નહીં. આમ, માત્ર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગણિતમાં પરિણામ જાહેર થાય તે પહેલા એક માર્ક મળી ગયો છે.
આ ઉપરાંત કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને એક ગુણની લ્હાણી થશે. કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ માટેના એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાતા તેમને પ્રોવિઝનલ આન્સર કીમાં એક ગુણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યારે ગુજરાતી માધ્યમમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હતી. ઉપરાંત અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રમાં એક પ્રશ્નના બે વિકલ્પ સાચા હોવાથી વિદ્યાર્થીઓએ બે વિકલ્પ પૈકી ગમે તે લખ્યો હશે તેને ગુણ આપવામાં આવશે. જ્યારે ફિઝીક્સ અને બાયોલોજીના કોઈ પણ માધ્યમના પ્રશ્નપત્રમાં ભૂલ ન હોવાનું જણાયું છે. જેથી હવે આ પ્રોવિઝનલ આન્સર કીના જાહેર થતા ઉમેદવારો પોતાની રજૂઆતો કરી શકશે.SS1MS