સિંધુએ ચીની ખેલાડીને પછાડી સિંગાપુર ઓપનનો ખિતાબ જીત્યો
(એજન્સી)નવી દિલ્હી, સિંગાપુર ઓપન ૨૦૨૨માં ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ધમાલ મચાવતા ખિતાબ પોતાના નામે કર્યો છે. બેવાર ઓલિમ્પિક પદ વિજેતા રહેલી પીવી સિંધુએ ફાઈનલમાં ચીનની ખેલાડી ઝી યી વાંગને ૨૧-૯, ૧૧-૨૧- ૨૧-૧૫ થી હરાવી દીધી.
સિંધુએ આ સીઝનનો પોતાનો ત્રીજાે ખિતાબ જીત્યો. જ્યારે સિંગાપુર ઓપનમાં પહેલીવાર ખિતાબી જીત મેળવી. આ સાથે જ સિંધુ બેડમિન્ટન સુપર ૫૦૦ ટુર્નામેન્ટનો ખિતાબ જીતવામાં પણ સફળ રહી. અત્રે જણાવવાનું કે હવે સિંધુ બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે.
સિંધુએ મહત્વપૂર્ણ પળોમાં ધૈર્ય જાળવી રાખીને રોમાંચક મુકાબલામાં એશિયાઈ ચેમ્પિયનશીપની હાલની ચેમ્પીયન ચીનની ૨૨ વર્ષની ખેલાડીને હરાવી ખિતાબ જીત્યો. આ પહેલા સિંધુ સીઝનની સૈયદ મોદી અને સ્વિસ ઓપન ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. સિંધુ ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે.
આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે. આ અગાઉ દુનિયાની નંબર ૭ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સેમીફાઈનલમાં જાપાનની સાઈના કાવાકામીને સીધા સેટોમાં હરાવી દીધી હતી. સિંધુએ સેમીફાઈનલમાં ૨૧-૧૫, ૨૧-૭ના અંતરથી સરળતાથી મેચ જીતી હતી. જાપાની સ્ટાર કાવાકામી એક વખત પણ સિંધુ પર હાવી થતી જાેવા મળી નહતી.