6 કરોડ 76 લાખના ખર્ચે નિર્માણ પામશે વિરાટનગર વોર્ડમાં સબઝોનલ ઓફિસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વઝોનના વિરાટનગર વોર્ડમાં નવીન તૈયાર કરવામાં આવનાર સબઝોનલ ઓફિસનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
અમદાવાદના મેયરના હસ્તે વિરાટનગર વોર્ડમાં નિર્માણ પામનાર સબઝોનલ ઓફિસનું કરાયું ખાતમુહૂર્ત
સબઝોનલ ઓફિસમાં વિવિધ વિભાગોના નિર્માણથી વિસ્તારના નાગરિકોને લાભ થશે: મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન
આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વઝોનના વિરાટનગર વોર્ડમાં નવીન તૈયાર કરવામાં આવનાર સબઝોનલ ઓફિસનું ખાતમુહૂર્ત અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઓફિસ વિરાટનગર વોર્ડના ટીપી સ્કીમ નંબર 49 (પૂર્વ રખિયાલ) એફપી નંબર – 4માં તૈયાર કરવામાં આવશે. આ સબઝોનલ ઓફિસ 1401.98 સ્ક્વેર મીટરના વિસ્તારમાં કુલ 6 કરોડ 76 લાખ ખર્ચે નિર્માણ પામશે.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનાર વિરાટનગર વોર્ડની નવીન સબઝોનલ ઓફિસમાં વિવિધ વિભાગો જેવાકે સિવિક સેન્ટર વિભાગ, ઈજનેર વિભાગ અને ટેક્સ વિભાગનું નિર્માણ કરવામાં આવશે જેથી વિસ્તારમાં રહેતા નાગરિકોને તેનો સીધો લાભ મળી રહેશે તેમજ આ વોર્ડ નિર્માણનું કાર્ય સત્વરે પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.