ફળો અને શાકભાજીની શેલ્ફ લાઈફ ૨૫ દિવસ સુધી વધારવામાં સફળતા
એલોવેરાયુક્ત એડિબલ નેનોકોટિંગ : તાજગી માટેનો કુદરતી અભિગમ
IITE ગાંધીનગર – લાઈફ સાયન્સના સંશોધકોની એલોવેરાયુક્ત એડિબલ નેનોકોટિંગથી ફળો અને શાકભાજીની શેલ્ફ લાઈફ ૨૫ દિવસ સુધી વધારવામાં સફળતા
IITE ના કુલપતિ સાથે સંશોધકોની ટીમ –ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગરના લાઈફ સાયન્સ વિભાગના સંશોધકો દ્વારા ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટેનો એલોવેરાયુક્ત એડિબલ કોટિંગ નો નવતર પ્રયોગ
હાલના સમયમાં પરંપરાગત કેમિકલ અને વેક્સ આધારિત કોટિંગના બદલે એલોવેરાયુક્ત પ્રાકૃતિક સંસાધનોનો કોટિંગ તરીકે સફળતાપૂર્વક પ્રયોગ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના લાઈફ સાયન્સના એસોસિયેટ પ્રોફેસર ડો. મેહુલ પી. દવેના માર્ગદર્શનમાં એમ.એસ.સી – એમ.એડ. ના ત્રણ વિદ્યાર્થીઓ વાણીયા યશવંત, વ્રજ પારગી, રાહુલ વણઝારા દ્વારા આ નવતર સંશોધન હાથ ધરાયું જેમાં ડો. ભાનુ સોલંકી પણ સહમાર્ગદર્શક તરીકે સંકળાયેલ હતા.
જેમાં તેઓએ વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીઓ જેમકે ટમેટાની વિવિધ પ્રકારની વેરાઈટી, શિમલા-મિર્ચ, રીંગણ વગેરે જેવા ફળો અને શાકભાજીઓ પર સફળતાપૂર્વક એલોવેરાયુક્ત એડિબલ કોટિંગના ઉપયોગ થકી સફળતાપૂર્વક અસરકારક પરિણામો મેળવેલ છે. આ સંશોધન માટે ઉપયોગમાં લેવાયેલ એલો વેરા ના છોડ પણ IITE પરિસરમાં જ આવેલા “સંજીવની મેડીસીનલ પાર્ક”માં ઉગાડવામાં આવ્યા છે.
વર્તમાન ખાદ્ય-ઉદ્યોગોમાં સ્વાદ, વિટામિન, ખનીજો, પોષકતત્વોની સામગ્રી, અને ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓની જીવનમર્યાદાને વધારવા એલોવેરા જેવા પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને એડિબલ કોટિંગ વિકસાવવામાં આવેલ છે. આ કોટિંગ ફળો અને શાકભાજીને ભેજ, પ્રકાશ, સૂક્ષ્મજીવાણુઓ અને ઓક્સિજનથી બચાવીને ઉત્પાદનોની જીવનમર્યાદાને વધારે છે.
જેનો ઉપયોગ નેનો કોટિંગ તરીકે પણ કરી શકાય છે. વધુમાં ફળો અને શાકભાજીઓના ઉત્પાદનોમાં સ્વાદ, રંગ અને એન્ટીઓક્સિડન્ટ મૂલ્યોને વધારી શકે છે. આ એડિબલ કોટિંગ થકી ફળો તેમજ શાકભાજીઓની જીવન-મર્યાદા 20 થી 25 દિવસ સુધી સફળતાપૂર્વક વધારી શકાય છે.
આ પ્રકારના કોટિંગની કેન્સર સામે લડવાની ક્ષમતા પણ એન્ટી ઓક્સીડેંટ એક્ટીવીટી દ્વારા સાબિત કરાઈ છે. ફળો નું સુગર લેવલ, પ્રોટીન પ્રમાણ, ફીનોલ પ્રમાણ, ભેજ નું પ્રમાણ પણ આ કોટિંગ થકી પરંપરાગત વેક્સ કોટિંગ કરતા વધુ જળવાય છે.
એલોવેરા ઘણા વિવિધ સક્રિય ઘટકોથી બનેલું છે. તેમાં ખનિજો, વિટામિન્સ, ઉત્સેચકો, એન્થ્રાક્વિનોન્સ, ફિનોલિક સંયોજનો, લિગ્નિન, સ્ટેરોલ્સ, સેપોનિન્સ, એમિનો એસિડ અને સેલિસિલિક એસિડનો સમાવેશ થાય છે. મેડિકલક્ષેત્રે ઘણા બધા સંશોધનો જણાવે છે કે એલોવેરામાં એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-ઓક્સિડન્ટ, ઇમ્યુનોમોડ્યુલેટરી અને કેન્સર વિરોધી ગુણધર્મો છે. એલોવેરામાં વીસ એમિનો-એસિડ જોવા મળે છે, જે માનવ આહાર માટે જરૂરી છે.
એલોવેરામાંથી બનાવેલ એડિબલ કોટિંગ ફળો અને શાકભાજીના વજન, લંબાઈ, પહોળાઈ, જ્યુસ કન્ટેન્ટ, pH, ક્લોરોફિલ, પ્રોટીન, ફિનોલ, સ્ટાર્ચ, કેરોટીનોઈડસ, સુગર વગેરે જેવા કમ્પાઉન્ડની સાચવણીમાં અસરકારક ભાગ ભજવે છે. આ એડિબલ કોટિંગ થકી ફળો તેમજ શાકભાજીઓની જીવન-મર્યાદા 20 થી 25 દિવસ સુધી સફળતાપૂર્વક વધારી શકાય છે. આ કોટિંગ ફળો અને શાકભાજીને ભેજ, પ્રકાશ, સૂક્ષ્મજીવાણુઓ અને ઓક્સિજનથી બચાવીને ઉત્પાદનોની જીવનમર્યાદાને વધારે છે. એડિબલ કોટિંગ ફળો અને શાકભાજીને ચળકતો દેખાવ આપે છે.
એન્ટીફંગલ ગુણધર્મોને કારણે પણ એલોવેરાનો ઉપયોગ એડિબલ કોટિંગ તરીકે કરી શકાય છે. ભારતમાં, એલોવેરા “કુંવાર-પાઠુ” અને “ઘૃત-કુમારી” તરીકે પ્રખ્યાત છે. ચીન, ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને જાપાનમાં, આ ચમત્કારિક છોડનો પરંપરાગત દવાઓમાં 2,000 વર્ષ કરતા વધુ સમયથી ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા ઉષ્ણકટિબંધીય ફળો જેવા કે પપૈયા, ટામેટાં, દ્રાક્ષ અને ચેરી જેવા તેમજ સમશીતોષ્ણ ફળોમાં અસરકારક પરિણામો સાથે એડિબલ કોટિંગ તરીકે ઉપયોગી છે.
ફળો અને શાકભાજી એ તંદુરસ્ત આહારના આધારસ્તંભ છે. તાજેતરમાં લોકોમાં તેને માટે જાગૃતિ અને લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. હાલના તણાવયુક્ત જીવનશૈલી માટે તે વિટામિન, ખનીજો, એન્ટિઓક્સિડન્ટ, પોષકતત્વો અને સ્વાદયુક્ત સંયોજનથી ભરપૂર ખજાનાનો સ્ત્રોત છે. લલણી પછીના સમયગાળામાં સૂક્ષ્મજીવાણુઓ, જંતુઓ, શ્વસન અને બાષ્પોત્સર્જન એ ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ખૂબ મોટું નુકસાન કરે છે.
વિકસિત અને વિકાસશીલ દેશોમાં, ફળો અને શાકભાજીની લલણી પછીનું નુકસાન અનુક્રમે 5 થી 25% અને 25 થી 40% ની વચ્ચે હોવાનો અંદાજ છે. વૈશ્વિક સ્તરે લગભગ 35 થી 40% ફળો અને શાકભાજી નાશ પામે છે. લણણી પછીની સારસંભાળ અને સંગ્રહની વિવિધ પરિસ્થિતિઓ આ નુકસાનના 54% માટે જવાબદાર છે. જો કે ભારતમાં દૂધ, માંસ, સમુદ્રી ખોરાક અને ઇંડા જેવા ઉત્પાદનોમાં નુકસાન 10 થી 25% ની વચ્ચે હોવાનો અંદાજ છે, જ્યારે ફળો અને શાકભાજીમાં લલણી પછીના સમયગાળા દરમિયાન નુકસાન 30 થી 40% ની વચ્ચે હોવાનો અંદાજ છે.
તાજા ફળો અને શાકભાજીની જાળવણી અને સંગ્રહ એ લણણી પછીના સમયગાળા પર ખૂબ આધાર રાખે છે. હાલના સમયમાં ભારતની વસ્તી ઝડપથી વધી રહી છે, અને આત્મનિર્ભરતા માટે લાંબા ગાળા માટે ફળો અને શાકભાજીને સાચવવું મહત્વપૂર્ણ છે. તેથી, તાજેતરના સમયમાં, તાજા ફળો અને શાકભાજીની જીવનમર્યાદાને વધારવા માટે અને તેમજ આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ કરાવવા માટે નવી તકનીકોના અમલીકરણની જરૂર છે. એડિબલ કોટિંગનો વિચાર ફળો અને શાકભાજીના ઉત્પાદનોની જીવનમર્યાદાને લંબાવવા માટે, ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવા માટે તેમજ અસરકારક, પર્યાવરણને અનુકૂળ અને સસ્તી ટેક્નોલોજી તરીકે ઉભરી આવી છે.
ખાદ્ય ચીજવસ્તુઓનું રક્ષણ કરવા ઉપરાંત, આ એડિબલ કોટિંગ વધુ સુરક્ષિત છે અને તેમાં ઓક્સિજન અને ભેજ અવરોધ સહિત વધારાના અનેક ફાયદાકારક ગુણો છે. તાજેતરના સમયમાં સલામત અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ખાદ્ય ઉત્પાદનો માટે ગ્રાહકોની વધતી માંગને કારણે એડિબલ કોટિંગ ઉદ્યોગ અને સંશોધકો બંનેની રુચિ વધી છે. આ સંશોધન વિશે માહિતી મેળવી IITEના કુલપતિ પ્રો. કલ્પેશભાઈ પાઠકે ડો. મેહુલ દવે અને લાઈફસાયન્સ વિભાગના અધ્યાપકો તથા સંશોધકોની ટીમને અભિનંદન આપી પેટન્ટ પ્રાપ્ત કરવા તેમજ સ્ટાર્ટઅપ વિકસાવવા અનુરોધ કર્યો હતો.