વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સફળતાપૂર્વક સમાપન
ગામડાંઓમાં યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ સાંપડયો-વડોદરા જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતોમાં ૨.૪૯ લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા થયા સંકલ્પબદ્ધ
જિલ્લામાં ૧.૬૧ લાખથી વધારે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ : ૧.૬૦ લાખથી વધારે નાગરિકોના આરોગ્યની ચકાસણી
વડોદરા, મોદી સરકારની ગેરેંટી લઇ વડોદરા જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સફળતાપૂર્વક સમાપન થયું છે.આ યાત્રાને ગામડાંઓમાં ઠેરઠેર વ્યાપક જનપ્રતિસાદ સાંપડયો હતો. વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન નાગરિકોને યોજનાકીય લાભો આપવાની સાથે દેશને આગામી વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહાઅભિયાનમાં નાગરિકો સ્વયંભૂ સંકલ્પબદ્ધ થયા હતા.
વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જિલ્લા કલેકટર અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લામાં વિકસિત ભારત યાત્રાની ફલશ્રુતિ વિગતો જોઈએ તો જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતોમાં ૧.૧૭ લાખથી વધારે મહિલાઓ સહિત કુલ ૨.૪૯ લાખથી વધુ નાગરિકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈ સરકારી યોજનાઓની જાણકારી મેળવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ૧.૬૧ લાખ આયુષ્યમાન કાર્ડનું લાભાર્થીઓને સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૧.૬૦ લાખથી વધારે નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. તદપરાંત ૧.૨૦ લાખથી વધારે વ્યક્તિઓની ટી.બી. રોગની તપાસ તેમજ ૧૩,૮૦૦ થી વધારેની સિકલ સેલની તપાસ કરાઇ હતી. મારૂ ભારત અંતર્ગત કુલ ૬૩૫૦ જેટલા સ્વયંસેવક નોંધાયા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૬૧૦૦થી વધારે લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે.
યાત્રા દરમિયાન ૧૬૬૦ ઉપરાંત મહિલાઓને, ૧૮૦૦ થી વધારે વિદ્યાર્થીઓને, ૯૦૦ થી વધારે રમતવીરોને તેમજ ૫૪૦ થી વધારે સ્થાનિક કલા કારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે યાત્રા દરમિયાન ‘ધરતી કહે પુકાર કે..’ – નુક્કડ નાટકના માધ્યમથી વ્યાપક જાગૃતિ ઊભી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત ૪૬૦૦ થી વધારે લાભાર્થીઓ નોંધાયા છે. ૨૮૭ ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. જિલ્લાની ૩૯૧ થી વધારે ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. જ્યારે ૫૨૮ ઉપરાંત ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન તેમજ ૪૭૬ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી. એમ. જન ધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં ૪૯૭ ઉપરાંત ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી. એમ. કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં ૪૫૮ થી વધારે ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે ૩૮૫ થી વધારે ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. તદુપરાંત અત્યાર સુધીમાં કુલ ૨.૪૯ લાખથી વધારે નાગરિકો વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા હોવાનું વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જિલ્લા નોડલ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તુલસીભાઈ ઠક્કરે જણાવ્યું છે.