Western Times News

Gujarati News

સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી, દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે સેનાની ત્રણ પાંખો અને રિસર્ચ એજન્સીઓ સતત કાર્યરત રહે છે. ત્યારે હવે ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ એલસીએ એએફ એમકે૧ પ્રોટોટાઇપ ફાઇટર એરક્રાફ્ટમાંથી સ્વદેશી એસ્ટ્રા બીવીઆરએર-ટુ-એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

બીવીઆર મિસાઈલ બીજા ફાઈટર એરક્રાફ્ટ સાથે લડવામાં અથવા કોઈ લક્ષ્યને નિશાન બનાવવામાં મદદ કરે છે.આ અંગે મળતી માહિતી મુજબ ૧૨ માર્ચ ના રોજ ઓડિશાના ચાંદીપુર કિનારે તેજસ એલસીએ એએફ એમકે૧ પ્રોટોટાઇપ ફાઇટર એરક્રાફ્ટથી એસ્ટ્રા બીવીઆરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, પરીક્ષણ દરમિયાન મિસાઇલે ઉડતા લક્ષ્ય પર સફળતાપૂર્વક સીધો પ્રહાર કર્યાે હતો. તેમજ બધી સબસિસ્ટમ્સે મિશનના તમામ પરિમાણો અને ઉદ્દેશ્યોને સચોટ રીતે પ્રદર્શિત કર્યા હતા.

એસ્ટ્રા મિસાઇલ અથવા એસ્ટ્રા બીવીઆર મિસાઇલડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. એસ્ટ્રા મિસાઇલ ૧૦૦ કિલોમીટરથી વધુ અંતરે સ્થિત લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે. આ મિસાઇલ અદ્યતન નેવિગેશન ક્ષમતાઓથી સજ્જ છે. જે મિસાઇલને વધુ ચોકસાઈથી લક્ષ્યોને નષ્ટ કરવામાં મદદ કરે છે.

આ મિસાઈલ પહેલાથી જ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ચૂકી છે.તેજસ એમકે૧ના પ્રોટોટાઇપમાંથી એસ્ટ્રા મિસાઇલનું સફળ પરીક્ષણ એડીએ. ડીઆરડીઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ના વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનિશિયનોની ટીમની મોટી સફળતા માનવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પરીક્ષણમાં સામેલ તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા છે.

આ સાથે ડીઆરડીઓ સચિવ અને અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે વિવિધ સંગઠનો અને ઉદ્યોગોના વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનિશિયનોના પ્રયાસોની પ્રશંસા કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.