વ્યાજખોરોના ત્રાસે કુટુંબના ૬ લોકોએ ઝેર પીધું, પાંચનાં મોત
(એજન્સી)નવાદા, બિહારના નવાદામાંથી સામૂહિક આત્મહત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આદર્શ સોસાયટીમાં એક જ પરિવારના ૬ લોકોએ ઝેર પીધું હતું જેમાંથી ૫ લોકોના મોત થઈ ગયા છે. એક બાળકીની હાલત ગંભીર છે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિવાર દેવાદાર હતો અને વસૂલાતના ત્રાસથી પરેશાન થઈને ઝેર પી લીધુ હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિવારના મુખિયાની ઓળખ કેદારનાથ ગુપ્તા તરીકે થઈ છે. તે મૂળ રાજૌલીનો રહેવાસી હતો અને નવાદા શહેરના નવા વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો.
કેદારનાથ ગુપ્તા નવાદાના વિજય બજારમાં ફળોની દુકાન ચલાવતા હતા. તેના સંબંધમાં તેણે કેટલાક લોકો પાસેથી લોન લીધી હતી જે તે ચૂકવી શક્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધિરાણકર્તા કેદારનાથ ગુપ્તા પર પૈસા ચૂકવવા માટે દબાણ કરી રહ્યા હતા.
પરિવારના અન્ય સભ્યોને પણ ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળીને સમગ્ર પરિવારે સામૂહિક રીતે આ ભયંકર પગલું ભર્યું હતું. મૃતકોમાં કેદારનાથ ગુપ્તા, તેમની પત્ની અનિતા અને ત્રણ બાળકો સામેલ છે. તેઓએ પોતાના ઘરના બદલે ત્યાંથી દૂર આદર્શ સોસાયટી વિસ્તારમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી.
બે લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા જ્યારે અન્ય ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. એક પુત્રીની હાલત ગંભીર છે. તેણે જણાવ્યું કે, લોન આપનારા લોકો તેને પરેશાન કરતા હતા. પોલીસે જણાવ્યું કે આ મામલાની તપાસ હજુ ચાલુ છે.