અમદાવાદની ITI કુબેરનગર ખાતે સમર સ્કિલ વર્કશોપ બન્યો આકર્ષણનું કેન્દ્ર
વિદ્યાર્થીઓનો સ્કિલ ટ્રેનિંગ પ્રત્યે ઉત્સાહ પેદા થાય તે હેતુથી રાજ્યની તમામ સરકારી આઇ.ટી.આઇ. ખાતે ‘સમર સ્કિલ વર્કશોપ‘નું આયોજન
ધોરણ ૮થી આગળ ભણેલા વિદ્યાર્થીઓએ કૌશલ્ય આધારિત ઉજ્જવળ કારકિર્દીના માર્ગદર્શન માટે આઈ.ટી.આઈ. કુબેરનગરની મુલાકાત લેવા અનુરોધ
ક્વેસકોપ કંપની દ્વારા ટાટા મોટર્સમાં ૧૩૭ તાલીમાર્થીઓને રૂપિયા ૧૪૫૨૦/- ઉપરાંત બીજા ભથ્થાંઓના પગારની આકર્ષક નોકરી આપવામાં આવી
આઈ.ટી.આઈ. કુબેરનગરના આચાર્યની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓનો સ્કિલ ટ્રેનિંગ પ્રત્યે ઉત્સાહ પેદા થાય તે હેતુથી રાજ્યની તમામ સરકારી આઇ.ટી.આઇ. ખાતે ‘સમર સ્કિલ વર્કશોપ’ યોજવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. Summer Skill Workshop at ITI Kubernagar, Ahmedabad became the center of attraction
આ વિષય અંતર્ગત આઇ.ટી.આઇ. કુબેરનગર ખાતે તા. ૧૧/૦૬/૨૦૨૪થી શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે સમર સ્કિલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે સંસ્થાના ઔદ્યોગિક વાતાવરણ, ટ્રેડની જાણકારી, આઇ.ટી.આઇ. કર્યા પછી મળતી રોજગારી, સ્વ રોજગારી અને મશીનરીની માહિતીની સાથોસાથ મેથેમેટિકલ લેબોરેટરી, તાલીમાર્થીઓના કૌશલ્યને પ્રદર્શિત કરતા અને તેમના દ્વારા બનાવેલ આધુનિક ટેકનોલોજીને અનુરૂપ પ્રોજેક્ટ, ઈનોવેટિવ મોડેલ, ચાર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઓટો ગૃપ દ્વારા વાયર રોબો કારનો પ્રોજેક્ટ બનાવી વિદ્યાર્થીઓ વચ્ચે રેસનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આઇ.ટી.આઇ. કુબેરનગર દ્વારા આયોજિત આ સમર સ્કિલ વર્કશોપમાં વિદ્યાર્થીઓ હાઉસ હોલ્ડ એક્ટિવિટીમાં ભાગ લઇ સ્કિલ ટ્રેનિંગ પ્રત્યે અભિરુચિ પેદા કરી રહ્યા છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિના મૂલ્યે કિટ પણ આપવામાં આવે છે.
હાલમાં આઇ.ટી.આઇ.અભ્યાસ માટે જે એડમિશન ચાલી રહ્યા છે, જેમાં ૪૧ જેટલા ટ્રેડમાં કુલ ૨૯૦૦ જેટલી બેઠકો ભરવાની થાય છે. આઇ.ટી.આઇ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ ઈચ્છુક તમામ તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ અને એપ્રેન્ટીસશિપની ઓફર કરવામાં આવે છે. ન્યૂ એજ્યુકેશનલ પોલિસી ૨૦૨૦ અંતર્ગત આઈટીઆઈનો બે વર્ષનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેને ૧૨ ધોરણ પાસ સમકક્ષ ગણવામાં આવે છે. આમ, આઈટીઆઈ કર્યા બાદ સીધા ડિપ્લોમા, ડિગ્રી કે ગ્રેજ્યુએશન કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે.
હાલમાં આઈ.ટી.આઈ ખાતે પ્રિ-પ્લેસમેન્ટ ડ્રાઇવ હેઠળ ૮૦ કંપની દ્વારા ૩૭૫ તાલીમાર્થીઓને નોકરીમાં રૂપિયા ૧૫ હજારથી ૨૦ હજારના પગાર સાથે ઓફર આપવામાં આવેલ છે. ક્વેસકોપ કંપની દ્વારા ટાટા મોટર્સમાં ૧૩૭ તાલીમાર્થીઓને રૂપિયા ૧૪૫૨૦/- ઉપરાંત બીજા ભથ્થાઓના પગારની નોકરી આપવામાં આવી છે. સાથે, કંપની ડિપ્લોમા ઇન મેકાટ્રોનિક્સ કરવાની ‘Earn with Learn’ની તક પણ આપશે જે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે લાભદાયી રહેશે.
ધોરણ ૮ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ કે તેનાથી વધુ ભણેલા વિદ્યાર્થીઓએ, કૌશલ્ય આધારિત ઉજ્જવળ કારકિર્દી માટે શું કરવું તેની દ્વિધા હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ એક વખત આઇઆઇટી કુબેરનગરની મુલાકાત લેવી જોઈએ, એવો અનુરોધ કરવામાં આવ્યો છે.