સુમુલ ડેરીને રાષ્ટ્રીય ઊર્જા બચતનો નેશનલ એવોર્ડ મળ્યો
સુરત, ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીનો ડંકો છે. ત્યારે સુમુલ ડેરીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રીય ઊર્જા બચતમાં દેશમાં સુમુલ ડેરી અવ્વલ રહેલી છે. ત્યારે આવતીકાલે સુમુલ ડેરીને રાષ્ટ્રીય ઊર્જા બચતનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.
આવતીકાલે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણનાં દિવસે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે ડેરીને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરાશે.
ત્યારે છેલ્લા ૧૬ વર્ષમાં ૯ વખત રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડની સિદ્ધિ મેળવશે.
આ બાબતે સુમુલ ડેરીનાં ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી સાથે જોડાયેલી ૧૨૦૦ જેટલી મંડળીઓ સાથે જોડાયેલા અઢી લાખ જેટલા પશુપાલકો દરરોજનું લાખો લીટર દૂધ સુમુલ ડેરીમાં સંપાદન કરાવે છે. અને તેની સાથે દૂધનાં જે પ્રોસેસિંગ પ્લાન્ટો છે. એ પણ ઊર્જાની બચત કરે અને અદ્યતન ટેકનોલોજી લગાવી સુમુલ ડેરી ખૂબ જ હરણફાળ ભરી રહી છે. ઊર્જા વિભાગ તરફથી ૧૪ મી ડિસેમ્બરે સમગ્ર દેશનાં ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગોને ઉર્જા બચત થાય તે માટે એવોર્ડ અપાતા હોય છે.
આ વખતે પ્રથમ ક્રમે સુમુલ ડેરી આવી છે. અને ખાસ કરીને સુમુલ ડેરીનાં ચેરમેન માનસિંગભાઈ પટેલનાં નેતૃત્વમાં જે રીતે સુમુલ કામગીરી કરી રહી છે અને ઊર્જા બચત કરીને સમગ્ર દેશમાં પ્રથમ આવી છે.
એ અનુસંધાને આવતીકાલે ૧૪ મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિનાં હસ્તે સુમુલ ડેરીનાં ચેરમેન માનસિંગભાઈ પટેલને એવોર્ડ મળવાનો છે. સુમુલ ડેરીને એવોર્ડ મળતા પશુપાલકોમાં ખૂબ જ આનંદીત છે.
ખાસ કરીને જે રીતે સુમુલ પરિવારનાં કર્મચારી મિત્રો અને સુમુલ પરિવારનાં પશુપાલકો તેમજ ડિરેક્ટરો જે રીતે કામગીરી કરી રહ્યા છે. એનાં કારણે સુમુલ સતત પ્રગતિ કરી રહી છે. એનું સીધુ પરિણામ તમે જોવો તો આ એવોર્ડે સમગ્ર પશુપાલકોને ખૂબ જ રાજી કર્યા છે.