Western Times News

Gujarati News

અંતરીક્ષથી અદ્‌ભૂત છે ભારતનો નજારો, હું જલ્દી ભારતની મુલાકાતે આવીશઃ સુનિતા

સુનિતા વિલિયમ્સે પિતાને યાદ કર્યા

ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરીક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી

નવી દિલ્હી,ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરીક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યાે. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે.

સુનિતા વિલિયમ્સ જલ્દી જ ભારત પણ આવશે. તેમણે કહ્યું છે, કે ‘ મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઆૅમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે જલ્દી જ મુલાકાત કરીશ. અને મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકતંત્ર છે જે અંતરીક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે.

અમે તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે અંતરીક્ષથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો.

વિલિયમ્સે જણાવ્યું હતું કે પૃથ્વી પર પરત આવ્યા બાદ સૌથી પહેલા તેમણે પોતાના પતિ અને પાલતુ કૂતરાઓને ગળે લગાવ્યા. સૌથી પહેલા ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો અને પિતાને યાદ કર્યા.

ગયા વર્ષે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર આઠ દિવસના એક મિશન પર સ્ટારલાઇનરમાં સવાર થઈને અંતરીક્ષમાં ગયા હતા. જોકે ટેકનિકલ સમસ્યાના કારણે તેમણે ૯ મહિના સુધી અંતરીક્ષમાં જ રોકાવવું પડ્યું હતું. જે બાદ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે એક સ્પેશિયલ મિશન લોન્ચ કર્યું હતું.

નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય અમેરિકન અંતરીક્ષયાત્રી છે. તેમનો જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ અમેરિકામાં થયો હતો. તેમના પિતા દિપક પંડ્યાનું મૂળ વતન ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં સ્થિત ઝુલાસણ ગામ છે. તેઓ ૧૯૫૭માં મેડિકલના શિક્ષણ માટે અમેરિકા ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.